નિસર્ગ વાવાઝોડું 120ની સ્પીડે ગુજરાતમાં ટકરાશે, સીએમ રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી - ગુજરાત હવામાન
ગુજરાતમાં હજી કોરોનાનો ખતરો ટળ્યો નથી ત્યાં ફરી ગુજરાતના માથે સંકટના વાદળ ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ નિસર્ગ નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાઓ વચ્ચે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય સરકારની તૈયારીઓને લઈને સમીક્ષા કરી હતી.
ગાંધીનગર : હજી કોરોનાનો ખતરો ટળ્યો નથી ત્યાં અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ નિસર્ગ નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાઓ વચ્ચે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય સરકારની તૈયારીઓને લઈને સમીક્ષા કરી હતી. જે બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી દીધી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાવાઝોડાં બાબતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ વાવાઝોડું 3 જૂનની વહેલી સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થાય તેવી સંભાવનાઓને કારણે દક્ષિણ ગુજરાતના દરિયાઇ કિનારાના ભાવનગર અને અમરેલીના દરિયાઈ કિનારાઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. વાવાઝોડાના કારણે વરસાદ પણ વધુ થવાની શક્યતાઓના કારણે દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચસ્તરીય બેઠક કરીને દક્ષિણ ગુજરાતના તમામ ગામોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્યના જેટલા પણ માછીમારો દરિયામાં ગયાં હતાં તે તમામને પરત બોલાવી લેવામાં આવ્યાં છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે થયેલા વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં અનાજ વગેરે બગડે નહીં તે માટે યોગ્ય જગ્યાએ વસ્તુનો સંગ્રહ કરવાની તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સહિત ભાવનગર અને અમરેલી જિલ્લાના લોકો કામ વગર બહાર ન નીકળે તે માટે પણ સ્થાનિક તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ NDRF અને SDRFની 10 જેટલી ટીમો ને તહેનાત કરી દેવામાં આવી છે. જ્યારે રાજ્ય સહિત તમામ પ્રભાવિત જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યાં છે. આ સાથે જ આ નિસર્ગ વાવાઝોડામાં કોઈપણ જાનહાનિ ન થાય તે દિશામાં રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી છે.
ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડાની અસરથી 110 થી ૧૧૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠા પર વસતાં લોકોને સ્થળાંતર કરવામાં આવશે. આ સાથે જ સ્થાનિક તંત્ર લોકોને યોગ્ય જગ્યાએ રહેવાનું સૂચન પણ કરશે સાથે જ જો જરૂર પડશે તો લોકોને સહીસલામત જગ્યાએ ખસેડવામાં પણ આવશે.