ગાંધીનગર: રાજ્યના વાવાઝોડા બાબતે રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા 3 કલેક્ટરની નિમણૂક કરીને 24 કલાક સુધી દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યારે સુરત, વલસાડ જેવા દરિયાઈ પટ્ટા પર પ્રભારી સચિવની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ 63,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે સુરત કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ મોટા હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવ્યા છે. તમામ હોટસ્પોટ પર 18 જેટલી એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
9 જિલ્લામાં 63,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ 19ને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સનો અમલ અને માસ્ક આપવામાં આવ્યું છે. જ્યારે અત્યારસુધીમાં વીજ પુરવઠો પણ અવિરત પણે ચાલુ જ છે. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને વીજ પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.