ગાંધીનગરઃ અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓને શ્રેષ્ઠ અને હાઈજેનિક ભોજન સહિત અન્ય સુવિધાઓ અપાય છે. આ દર્દીઓને શુદ્ધ હવા મળે રહે તે માટે ખાસ “નેગેટિવ એર પ્રેસર” સિસ્ટમ કાર્યાંવિત કરાઈ છે.
ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આ દર્દીઓને આઈસોલેશનમાં રાખવા અત્યંત જરૂરી છે. વોર્ડમાં હવાની ગુણવત્તા ઉચ્ચકક્ષાની હોવી પણ એટલું જ જરૂરી છે. આ નિર્ધારિત આઈસોલેશન વોર્ડમાં હવાનું ખાસ વેન્ટિલેશન રાખવાની સાથે સાથે 1 કલાકમાં 12 વખત શુધ્ધ હવાનો ફેરફાર થાય છે. તેમજ હવાને શુધ્ધ કરી વાતાવરણમાં બહાર ફેંકી શકે તેવી “નેગેટીવ એર પ્રેસર સિસ્ટમ” નંખાઈ છે. આ નિર્ધારિત આઈસોલેશન વોર્ડ સેન્ટ્રલ એરકન્ડિશનિંગ પ્લાન્ટનો હિસ્સો ન હોવો જોઈએ, અને એટલે જ આ આઈસોલેશન વોર્ડ માટે અલાયદી એરકન્ડિશનિંગ સિસ્ટમ ઉભી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ માટે જરૂરી સંખ્યામાં ડ્ક્ટેબલ યુનિટ મુકી એક કલાકમાં 12 વખત શુધ્ધ હવા વોર્ડમાં લઈ જવામાં આવે છે. વોર્ડની અંદરની હવાને ફેક્સીબલ ડ્ક્ટ મારફતે અગાસી સુધી લઈ જઈ હવાને ફિલ્ટર કરવા ખાસ બનાવેલા યુનિટ કે જેમાં અલ્ટ્રાવાયોલેટ લાઈટ અને હિટર મારફતે હવાને શુધ્ધ કરી વાતાવરણમાં ફેંકવામાં આવે છે. આ પ્રક્રિયાથી આઈસોલેશન વોર્ડમાં નેગેટીવ એર પ્રેસર ઉભુ કરી હવાની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કામગીરી કરવામાં આવી છે.
122 બેડની હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા સાથે આઈસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્સર હોસ્પિટલ અને કિડની વિભાગમાં પણ આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. એટલું જ નહી સોલા સિવિલ, ગાંધીનગર સિવિલ, વડોદરાની ગોત્રી અને સુરતની સિવિલ હોસ્પિટલ પણ આ સુવિધાથી સજ્જ કરાઈ છે.