ગુજરાત

gujarat

ETV Bharat / city

3 વર્ષમાં રાજ્યમાં ગુનાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો: NCRB - રાજ્યમાં ગુનાખોરી

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ગુના વર્ષ 2020માં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018માં નોંધાયેલા 3,93,194 ગુનાઓની સામે વર્ષ 2020માં કુલ 6,99,619 ગુનાઓ નોંધાયા છે. આ તો ઠીક છે, પરંતુ IPCની વિવિધ કલમો અંતર્ગત ગુનાઓ નોંધ્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં પણ ગુજરાત પોલીસ મોખરે રહી છે. વર્ષ 2020માં નોંધાયેલા કુલ ગુનાઓ પૈકી પોલીસે 98.3 ટકા કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

3 વર્ષમાં રાજ્યમાં ગુનાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો: NCRB
3 વર્ષમાં રાજ્યમાં ગુનાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો: NCRB

By

Published : Sep 15, 2021, 8:46 PM IST

  • રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં ગુનાખોરીનું પ્રમાણ 3 ગણું વધ્યું
  • મહિલા અત્યાચારના ગુના ઘટ્યા, પરંતુ રોજ એક મહિલા પર દુષ્કર્મ
  • પોલીસ દ્વારા IPC અંતર્ગતના ગુનાઓમાં ચાર્જશીટ દાખલ કરવામાં અવ્વલ

ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં ભલે પોલીસ સતર્ક રહીને કામગીરી કરી રહી હોય, પરંતુ ગુનાખોરી ઘટવાનું નામ જ ન લેતી હોવાના આંકડા સામે આવ્યા છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ગુજરાતમાં વર્ષ 2020માં કુલ 6,99,619 ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 98.30 ટકા કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.

હાશકારો, રાજ્યમાં મહિલા અત્યાચારના ગુનાઓ ઘટ્યા

રિપોર્ટમાં જણાવેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં વર્ષ 2018માં મહિલા અત્યાચારના કુલ 8,329 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2019માં વધીને 8,799 થયા હતા. જ્યારે વર્ષ 2020માં પણ આંકડાઓમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે માત્ર 8,028 કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં પણ વર્ષ 2019ની સરખામણીએ 2020માં 1 લાખથી ઓછા કેસ નોંધાયા હતા.

2020માં રાજ્યમાં રોજ સરેરાશ 3 લોકોની હત્યા થઈ હતી

આંકડાઓ મુજબ વર્ષ 2020માં દેશભરમાં હત્યાના કુલ 29,193 બનાવો નોંધાયા હતા. જેમાં 30,183 લોકોના મોત નિપજ્યા હતા. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હત્યાના કુલ 982 કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં 1023 લોકોના મોત નિપજ્યા હતા. ગુજરાતમાં નોંધાયેલા કુલ ગુનાઓમાં હત્યાના ગુનાઓનું પ્રમાણ 1.4 ટકા નોંધાયું છે.

હિટ એન્ડ રનના 1022 કેસ, 1104 લોકોના મોત

વર્ષ 2020માં દેશભરમાં હિટ એન્ડ રનના કુલ 41,196 કેસ નોંધાયા હતા. જેમાં 45,229 લોકોના મોત નિપજ્યા હતા. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં વર્ષ 2020માં હિટ એન્ડ રનના કુલ 1022 કેસ નોંધાયા હતા. જેમાં 1104 લોકોનામોત નિપજ્યા હતા. હિટ એન્ડ રનના ગુનાઓ રાજ્યમાં નોંધાયેલા કુલ ગુનાઓના 1.5 ટકા નોંધાયા છે.

વર્ષ 2020માં રોજ સરેરાશ 1 દુષ્કર્મનો કેસ નોંધાતો હતો

આંકડાઓ મુજબ, વર્ષ 2020માં દેશભરમાં દુષ્કર્મના 28,046 ગુનાઓ નોંધાયા હતા અને કુલ 28,153 મહિલાઓ ભોગ બની હતી. જ્યારે ગુજરાતમાં વર્ષ 2020માં 486 મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની હતી અને તમામ કેસમાં ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, વર્ષ 2020માં રાજ્યમાં રોજ સરેરાશ એક કેસ દુષ્કર્મનો નોંધાતો હતો.

સાયબર ક્રાઈમમાં જોવા મળ્યો ઉછાળો

જેમ જેમ લોકો વધારે પડતો ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમ તેમ દેશમાં અને રાજ્યમાં સાયબર ક્રાઈમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશની વાત કરવામાં આવે તો દેશમાં વર્ષ 2018માં સાયબર ક્રાઈમના 27,248 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2020માં વધીને લગભગ બમણા એટલે કે 50,035 પર પહોંચ્યા હતા. ગુજરાતમાં વર્ષ 2018માં 702 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2020માં વધીને 1283 થયા હતા.

ABOUT THE AUTHOR

...view details