- પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે
- મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધો
- લાઇટ-પાણી-રસ્તા, STP, ભૂર્ગભ ગટર, નલ સે જલ આધારે રેન્કિંગ મળશે
ગાંધીનગર:મુખ્યપ્રધાન રૂપાણી (vijay rupani)ના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યના 6 રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો, શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓની પ્રજાલક્ષી કામગીરી સુગ્રથિત કરવા અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું અને આ નિર્ણય લીધો હતો. ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, GUDCના ડિરેકટર હાર્દિક શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, શહેરી હાઉસીંગ સચિવ લોચન શહેરા વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતા.
રાજ્યની 156 નગરપાલિકાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થશે
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની 156 નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની શ્રેષ્ઠતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવું છે. આવી તંદુરસ્ત સ્પર્ધા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ-પાણી-રસ્તા, એસ.ટી.પી-ભૂર્ગભ ગટર, હર ઘર જલ-નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપી દેવામાં આવશે તેમ પણ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. આના પરિણામે નગરપાલિકાઓને લોકહિત-નગર સુવિધાના વધુને વધુ કામો કરવાનું પ્રોત્સાહન મળશે એમ તેમણે ઉમેર્યુ હતું.