- મુખ્યમંત્રી બાળ સહાય બાબતે ફેલાઈ હતી અફવા
- સરકારે તાત્કાલિક ધોરણે કરી જાહેરાત
- બાળ સહાય યોજના યથાવત
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના કાળ દરમિયાન માતા-પિતા બન્ને અથવા તો માતા-પિતામાથી કોઇ પણ એક વ્યક્તિ ગુમાવનારા બાળકો માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેમાં પ્રતિમાસ ચાર હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. જેમાં 700 જેટલા બાળકોને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રથમ દિવસે 31 લાખ રૂપિયા આપીને સહાય શરૂ કરી હતી, ત્યારે આજે અચાનક જ રાજ્ય સરકારે આ યોજના બંધ કરી હોવાના સમાચાર અને અહેવાલો વહેતા થયા હતા. જે બાબતે રાજ્ય સરકારે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બાળ સહાય યોજના બંધ નથી કરવામાં આવી, સહાય યથાવત જ છે.
18 વર્ષની વય સુધી આપવામાં આવશે સહાય
સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઇશ્વર પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય 18 વર્ષની થાય ત્યાં સુધી આપવાનું યથાવત જ રહેશે, નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ-2021માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોનાકાળ દરમિયાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા 1000 ઉપરાંત બાળકોને માસિક રૂપિયા 4 હજારની સહાય ચુકવવામાં આવી છે.
રાજ્ય સરકારે કયો કર્યો હતો મહત્વનો નિર્ણય
આ યોજના અંગે વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતા 28મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂપિયા 2 હજારની સહાય રાજ્ય સરકાર આપશે. આવા આશરે 4000 બાળકોને પ્રધાન વિજય રૂપાણીએ બાળક દીઠ રૂપિયા 2 હજારની સહાય ગત 2 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા સીધી જ બેંક એકાઉન્ટમાં સંપૂર્ણ પારદર્શીતાથી ચૂકવી આપી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2021 હતી
સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઇશ્વરસિંહ પરમારે જણાવ્યું હતું કે. રાજ્યમાં કોરોનાના કેસોમાં 15મી જૂન પછી ઉત્તરોત્તર ઘટાડો થતા અને 30મી જૂન સુધીમાં કોરોના કેસ અને મૃત્યુ દર નહિવત થઇ જવાથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભ માટેની કટ ઓફ ડેટ 30જૂન-2021 નક્કી કરી હતી અને યોજનાનો લાભ મેળવવા માટે 31મી ઓગસ્ટ-2021 સુધીમાં અરજી કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મે મહિનામાં કરાઈ હતી યોજનાની જાહેરાત
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પરીક્ષામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ યોજના બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને મે મહિનામાં આ યોજનાની સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. આમ મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન રાજ્ય સરકારને એક હજાર જેટલા બાળકોની અરજીઓ આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત 2જી ઓગસ્ટ સંવેદના દિન નિમિત્તે બાળકોને સહાય આપવાની યોજનાનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.