- 6 વર્ષમાં 15,000 સરકારી શાળાઓમાં મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે
- બજેટમાં રૂપિયા 32,719 કરોડની રકમ શિક્ષણ વિભાગ માટે સરકારે ફાળવી
- સાક્ષરતા દર વર્ષ 2001માં 69.14 ટકા હતો તે હવે 78.03 ટકાએ પહોચ્યોં
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે બુધવારે શિક્ષણ અંગેની માંગણીઓ તથા ચર્ચા બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાનો વર્લ્ડ કલાસ એજ્યુકેશન ઘરે બેઠા મેળવી શકે તે માટે રાજ્યના કુલ બજેટના 14.41 ટકા જેટલી રૂપિયા 32,719 કરોડની રકમ શિક્ષણ વિભાગ માટે સરકારે ફાળવી છે. વિધાનસભામાં અંદાજપત્ર સત્ર દરમિયાન આજે બુધવારે શિક્ષણ વિભાગની બજેટ પર માંગણીઓ અને ફાળવણી પરની ચર્ચામાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસીહ ચુડાસમાં સહભાગી થયા હતા.
ગુજરાતના યુવકો સમય સાથે નહિ પરંતું સમયથી 2 કદમ આગળ ચાલે
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ ગૃહમાં જણાવ્યું હતું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતમાં વિદ્યાર્થીઓ-યુવાઓ સમય સાથે નહિં પરંતુ સમયથી બે કદમ આગળ ચાલે, વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી સર્વગ્રાહી શિક્ષણ વિકાસની સંકલ્પબદ્ધતા છે. ઉપરાંત વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગાર અને સમગ્ર જનજીવન સ્થગિત હતું. લોકડાઉન હતું ત્યારે શિક્ષણ વિભાગ અનલોક હતો અને સતત કાર્યરત રહી શિક્ષકો, બાળકો-છાત્રોનું શિક્ષણ સાથેનું સાતત્ય જાળવવા ઓનલાઇન એજ્યુકેશન, મીડિયા ટીવી ચેનલ, બાયસેગ જેવા માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ પુરૂં પાડવાનું ભગીરથ પુરૂષાર્થ પાર પાડયો છે.
આ પણ વાંચોઃ રાજ્યના 31 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર 1,450 સિન્ટેક્સ ઓરડાઓ વાપરવા લાયક
ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સ્માર્ટ કલાસીસ સહિતની વ્યવસ્થાઓ આ સરકારે કરીને બે દાયકામાં ડ્રોપ આઉટ રેશિયો 18.79 ટકાથી ઘટાડી 3.39 ટકા જેટલો નીચો લાવી દીધો છે, તેની વિગતો આપી હતી. એટલું જ નહિ, ભૂતકાળની સાપેક્ષમાં પાછલા બે-અઢી દાયકામાં સ્ટુડન્ટ કલાસરૂમ રેશિયો પણ એક વર્ગ ખંડ દિઠ 38થી ઘટાડી 27 અને 40 વિદ્યાર્થી દિઠ એક શિક્ષકના બદલે હવે 28 વિદ્યાર્થી દિઠ એક શિક્ષક સુધી લઇ જવાયો છે તેની છણાવટ ગૃહમાં કરી હતી.
શિક્ષકોની ઘટ નહીં રહે
ગુજરાતની વર્તમાન સરકાર KGથી PG સુધીના અભ્યાસમાં વિદ્યાર્થીઓને સક્ષમ અને યોગ્ય શિક્ષકોનું માર્ગદર્શન –પ્રશિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા સાથે સમયબદ્ધ અને પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતીનું આયોજન કરે છે. ‘હવે, શિક્ષકોની ઘટ એ સમસ્યા નથી રહિ અને પર્યાપ્ત શિક્ષકો શાળાઓને મળવા માંડયા છે’એમ તેમણે ઉમેર્યુ હતું. જ્યારે આવનારા સમયમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3900 વિદ્યાસહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં 5810 અને ઉચ્ચશિક્ષણ-કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી આવનારા સમયમાં થવાની છે.
આ પણ વાંચોઃરાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ
છેલ્લાં 5 વર્ષમાં માધ્યમિક શાળાઓમાં 13,962 શિક્ષકની ભરતી કરાઈ
છેલ્લાં પાંચ વર્ષમાં શિક્ષકોની થયેલી ભરતી અંગે શિક્ષણપ્રધાન ચુડાસમાંએ વિગતો આપતા જણાવ્યુ કે, રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓમાં કુલ 13,962 તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 3921 શિક્ષકોની ભરતી કરી છે. એટલું જ નહીં, સરકારી કોલેજોમાં કુલ 452 તેમજ અનુદાનિત કોલેજોમાં કુલ 1584 આચાર્ય, પ્રાધ્યાપકોની પણ ભરતી કરવામાં આવી છે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 500 સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની શાળાઓને મંજૂરી આપી છે.
રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે સાક્ષરતા દરમાં સુધારો થયો, પેપરલીક ભૂતકાળ થયું
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલા અનેક નિર્ણયોને કારણે છેલ્લા બે દાયકામાં સાક્ષરતા દર 2001માં 69.14 ટકા હતો. તે હવે 78.03 ટકાએ પહોચ્યો છે. જ્યારે પેપર લીક હવે ગુજરાતમાં ભૂતકાળ બની ગયો છે અને પરીક્ષાનું પ્રશ્નપત્ર ગોડાઉનથી લઇને કલાસરૂમ સુધી પહોંચતા સુધી સંપૂર્ણ સુરક્ષિત અને સીલ બોક્ષમાં છે તેની જડબેસલાક ખાતરી માટે શિક્ષણ વિભાગે ખાસ મોબાઇલ એપ્લીકેશન પેપર બોક્ષ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન PATA વિકસાવી છે. સંપૂર્ણ પારદર્શિતાથી આ કામગીરી થાય છે. એટલું જ નહિ, ધોરણ-10અને 12ની પરીક્ષાઓમાં ગેરરીતિને કોઇ જ અવકાશ ન રહે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર વીજીલન્સ સ્કવોડ, સી.સી.ટીવી કેમેરા અને ટેબ્લેટથી સતત દેખરેખ રાખવામાં આવે છે. 21મી સદીએ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે એટલે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય તે હેતુસર આગામી 6 વર્ષમાં ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને અમલમાં મૂકી રહી છે તેમ શિક્ષણપ્રધાને કહ્યું હતું.
આ પણ વાંચોઃ અનેક વિભાગોમાં જગ્યા ખાલી હોવા છતા સરકાર ભરતી ન કરતી હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
જર્જરીત શાળાઓનું રિપેરીગ કામ કરવામાં આવશે
‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક, એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી કુલ રૂપિયા 6375 કરોડનું ભંડોળ મેળવી રાજ્યની શાળાઓના જર્જરીત ઓરડાઓનું રીપેરીંગ કામ તેમજ ઓરડા નવા બનાવવામાં આવશે, આ મિશન હેઠળ 15,000 સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લઇ, આ શાળાઓમાં સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને અત્યાધુનિક કરવામાં આવશે. રાજ્યમાં આવેલી ઐતિહાસિક મહત્વ અને વિશષ્ટ પ્રકારના હેરિટેજ સ્થાપત્ય ધરાવતી પ્રાચીન શાળાઓના નવિનીકરણ માટે ‘હેરિટેજ સ્કૂલ્સ રીનોવેશન પ્રોગ્રામ’ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 3,86,272 બાળકોને અપાયો પ્રવેશ
રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓમાં પ્રવેશ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું કે, RTE હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 3,86,272 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જ્યારે મધ્યાહન ભોજન યોજના અંગે વાત કરતા ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં જ્યારે લોકડાઉન જાહેર થયું, ત્યારે રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજના હેઠળ નોંધાયેલા તમામ 50.35 લાખ વિદ્યાર્થીઓને 16 માર્ચ 2020થી 1 ફેબ્રુઆરી 2021 સુધી એટલે શાળાના 247 દિવસો દરમિયાન તમામ વિદ્યાર્થીઓને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ અંતર્ગત રૂપિયા 731.75 કરોડના ખર્ચે અને 1,48,117 મેટ્રિક ટન અનાજની ફાળવણી તબક્કાવાર કરવામાં આવી હતી. સાથે જ વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે તેવા સમયે વિદ્યાર્થીઓની મનોઃસ્થિતિ પર અસર ન પહોંચે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્ય તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે.
આ વર્ષે કુલ 3 લાખથી વધુ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે
ગુજરાતના વિદ્યાર્થીઓ ફુલ-ટાઈમ પી.એચ.ડી અભ્યાસક્રમમાં ધ્યાન આપી શકે તેમજ ગુણવત્તાયુક્ત સંશોધન થઈ શકે તે હેતુથી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘શોધ’ (Scheme of Developing High quality research) યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. આ યોજના અંતર્ગત 2019-20માં રૂપિયા 13.08 કરોડના ખર્ચે 754 વિધાર્થીઓને સહાય આપવામાં આવી છે તેમજ વર્ષ 2020-21 માં આ હેતુસર રૂપિયા 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે ટેબલેટ યોજના અંગેની વિગતો આપતા જણાવ્યું કે, આ વર્ષે કુલ 3 લાખથી વધુ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ગયા વર્ષે વિદ્યાર્થીઓને વિતરણ કરવાના બાકી રહી ગયેલા 50 હજાર ટેબલેટનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ ટેબલેટ પણ અગાઉની જેમ મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત જ ખરીદવામાં આવશે.
સ્ટડી ઇન ગુજરાત કેમ્પેઈન
ગુજરાતને દેશના ‘એજ્યુકેશન હબ’ તરીકે પ્રસ્થાપિત કરવાના હેતુથી ‘સ્ટડી ઈન ગુજરાત’ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આમંત્રિત કરવા 2019થી ત્રણ વર્ષ માટે દર વર્ષે ‘સ્ટડી ઈન ગુજરાત’ કેમ્પેઈન કરી રહ્યા છીએ. વર્ષ 2020 સુધીમાં 5000 અને વર્ષ 2022 સુધીમાં 10,000 વિદ્યાર્થીઓ રાજ્યમાં ‘સ્ટડી ઈન ગુજરાત’ અંતર્ગત અભ્યાસ કરવા માટે આવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્ષ 2019-20ની સરખામણીએ 2020-21માં બમણાથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ અર્થે આવ્યા છે.