- મહેંદીએ શાહીબાગ પોલિસ સ્ટેશનમાં સચિન વિરૂદ્ધ અરજી કરી હતી
- નવેમ્બર 2019માં મહેંદીએ ગાંધીનગર જીવન આસ્થામાં ફોન કર્યો હતો
- પત્ની અને સંતાનો છે એ વાત સચિને મહેંદીથી આ પહેલાં છુપાવી હતી
ગાંધીનગર : સચિન દીક્ષિતના રિમાન્ડ આવતીકાલે બે વાગ્યે પુરા થઇ રહ્યા છે ત્યારે પોલીસ પાસે એક પછી એક પુરાવો સામે આવી રહ્યા છે. મહેંદી અને સચિનને લઈને ગાંધીનગર પોલીસે પણ એક સ્પેશિયલ ટીમ બનાવી છે. જેમાં પહેલા મહેંદીએ (Mehndi Murder Case) સચિન વિરુદ્ધ શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. મહેંદી અને સચિન વચ્ચે આ પહેલા ઝગડા થઈ ચૂક્યા હતા. એ વાત પણ આ પુરાવાઓના આધારે સાબિત થઈ ચૂકી છે. ત્યારે ગાંધીનગર રેન્જ આઇ.જીએ મીડિયા સમક્ષ કેટલી વાતો વિસ્તારથી કહી હતી.
આ બન્નેના ઘરે આ પ્રેમપ્રકરણની જાણ હતી
રેન્જ આઇ.જી. અભય ચૂડાસમાએ કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ માહિતી મળી છે કે, આ બન્નેના ઘરે આ પ્રેમપ્રકરણની જાણ હતી. જો કે એ જાણ નહોતી કે, સચિન આ રીતે મહેંદી (Mehndi Murder Case) અને સંતાન સાથે વડોદરામાં રહે છે. પોલીસ તપાસમાં આ પહેલાં પરિવારજનોએ આ વાત છુપાવી હતી. 08 ઓકટોબરે સામે આવેલા કેસમાં 5 દિવસ પછી આ વાત સાચી સામે આવી હતી. જો કે બહુ પહેલાંથી પરિવારને આ અફેરની જાણ થઈ ચૂકી હતી.
54 મિનિટ સુધી ચાલ્યો હતો મહેંદીનો ફોન
રેન્જ આઇ.જી. અભય ચુડાસમાએ કહ્યું કે, ગાંધીનગર એસ.પી. ઓફિસમાં કાઉન્સિલિંગ માટે જીવન આસ્થા હેલ્પ લાઇન ચાલે છે. 01 નવેમ્બર 2019ના દિવસે મહેંદીએ (Mehndi Murder Case) ગાંધીનગરની જીવન આસ્થા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. આ ફોન 54 મિનિટ સુધી ચાલ્યો હતો. જેમાં તેણે મારે બોય ફ્રેન્ડ સાથે જવું કે પતિ સાથે જવું તે વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પણ પોતાની મન:સ્થિતિ વિશે જણાવ્યું હતું પરંતુ હેલ્પ લાઈને પરિવાર સાથે જવું જોઈએ તેવી સલાહ આપી હતી.