- એક એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા 5 દર્દીના મૃતદેહ લઈ જવાયા
- ગાંધીનગરના મેયરે તપાસના નામે ફોડયું ઠીકરું
- સરકારના સબ સલામતના દાવાઓ પોકળ સાબિત થયા
ગાંધીનગર: શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, અત્યંત આઘાતજનક એવી આ ઘટનામાં એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા પાંચ મૃતદેહ મુદ્દે ભરી સ્મશાને લઇ જવામાં આવ્યા હતા. આ પાંચ મૃતદેહમાં એક મહિલાનો પણ મૃતદેહ હોવાની વાત સામે આવી છે, આમ તંત્ર દ્વારા મૃત્યુ પામેલા દર્દીઓના મોતનો મલાજો પણ જળવાયો નથી અને અનેક એવા પરિવારોને આઘાતજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને ગાંધીનગર મેયર રીટાબેન પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમને ઢાંકપિછોડો કર્યો અને જણાવ્યું કે ગાંધીનગરમાં કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર સજાગ બની સારી કામગીરી કરી રહ્યું છે.
ગાંધીનગરમાં બે શબવાહિની હોવાનું કહેવામાં આવ્યું
કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓની સારામાં સારી સારવાર કરવામાં આવી રહી છે, કોરોનાના કારણે આસપાસના ગામના તમામ લોકો સારવાર માટે પણ ગાંધીનગર સિવિલમાં આવી રહ્યા છે, બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામેલા તમામ દર્દીઓની અંતિમવિધિ ગાંધીનગર અંતિમધામમાં કરવામાં આવી રહી છે. જ્યારે ગાંધીનગરમાં બે શબવાહિની હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક શબવાહિની મેયરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે તેવું તેમણે જણાવ્યું છે. જોકે આજની આટલી મોટી ગંભીર બેદરકારી સામે મેયરે માત્ર ઢાંકપિછોડો કર્યું હતું અને તપાસનું રટણ કર્યું છે.