- પ્રશ્નોત્તરીમાં ખાલી જગ્યાઓ સામે આવી
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વિભગમાં જ અનેક જગ્યાઓ ખાલી
- 81 મંજૂર જગ્યામાંથી 1 જ જગ્યા ભરાયેલી
ગાંધીનગર: ગુજરાતમાં એક એક બાજુ બેરોજગારી અને શિક્ષિત બેરોજગારીના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસ દ્વારા રોજગારીના મુદ્દાઓ પર અને સરકાર પર અનેક આક્ષેપ- પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આજે બુધવારે પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જ હસ્તક એવા ખાણ ખનીજ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝરની મંજૂર કરેલી 81 જગ્યામાંથી 80 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને માઇન્સ સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારે ઇસ્પેક્ટર વર્કરની ખાલી જગ્યાઓ બાબતે સવાલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, રાજ્યમાં ઇસ્પેક્ટર વર્ગ- 3માં 68 જગ્યાઓ મંજૂર થયેલી છે. જેમાં 41 જગ્યા પર આવેલી છે અને 27 જેટલી જગ્યાઓ ખાલી છે. આ 27 જગ્યાઓ પૈકી 27 જગ્યાઓ બઢતીથી ભરવાની થાય છે. પરંતુ બઢતીની જગ્યાઓ ફીડર કેડરમાં ભરતીપાત્ર કર્મચારીઓ ઉપલબ્ધ થશે ત્યારે ભરવામાં આવશે. આ ઉપરાંત માઇન્સ સુપરવાઈઝર વર્ગ-3ની જગ્યામાં રાજ્ય સરકારે 81 જેટલી જગ્યા મંજૂર કરી છે. પરંતુ ફક્ત એક જ જગ્યા પર ભરતી કરવામાં આવી છે અને 80 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :બેરોજગારી મુદ્દે વિધાનસભાગૃહમાં હોબાળો, 8 શહેરી વિસ્તારોમાં 55,272 બેરોજગારો