- 'આપ' નેતા મનીષ સિસોદિયા પ્રચાર માટે ગાંધીનગર આવ્યા
- ગિફ્ટ સિટી ખાતે પોતાના સંબોધનમાં ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
- બીજેપી તરફ કોઈને વિશ્વાસ નથી રહ્યો: મનીષ સિસોદિયા
ગાંધીનગર: આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન એવા મનીષ સિસોદિયા (Manish Sisodia) ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021)માં પ્રચાર માટે ગાંધીનગર (Gandhinagar) આવ્યા હતા. આ દરમિયાન ગિફ્ટ સિટી ખાતે મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું કે, "7 વર્ષથી અમને પક્ષમાંથી તોડવાનો પ્રયત્ન બીજેપીએ કર્યો છે, પરંતુ હજુ સુધી આપના નેતાઓને પાર્ટીમાંથી તોડી શકી નથી. અમે કામના દમ પર વોટ માંગીએ છીએ. કોઈ જાતિ કે ધર્મને ધ્યાનમાં રાખીને નહીં." મનીષ સિસોદિયાએ પોતાના નિવેદનથી બીજેપી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ગિફ્ટ સિટી ખાતે 'સંવાદ કાર્યક્રમ'
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021)માં મતદાન 3 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં જોડાઈ રહ્યા છે. કોર્પોરેશનના ચૂંટણી પ્રચારમાં ગાંધીનગર ખાતે દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia) પણ પહોંચ્યા હતા. તેમણે ગિફ્ટસિટી ખાતે 'સંવાદ કાર્યક્રમ' લોકો સાથે કર્યો હતો. ત્યારબાદ મીડિયાને સંબોધન કર્યું હતું અને બીજેપી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમની સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા.
લોકો પાસે ઑપ્શન ન હોવાથી કોંગ્રેસને મત આપ્યા
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "કોર્પોરેશનની ચૂંટણીને લઈ ગાંધીનગર આવ્યો છું. જેટલું મેં જોયું અને મને લાગી રહ્યું છે કે, જે લહેર અને વિશ્વાસ દિલ્હીમાં જોવા મળતો હતો એ જ અહીં જોવા મળ્યો છે. બીજેપી તરફ કોઈને વિશ્વાસ નથી રહ્યો. અત્યાર સુધી ગાંધીનગરની પ્રજાએ પોતાનો ગુસ્સો બીજેપી તરફ વ્યક્ત કરતા ઓપ્શન ન હોવાથી કોંગ્રેસને મત આપ્યો છે. પરંતુ કોંગ્રેસે પણ ગદ્દારી કરી, લોકોના વોટ સાથે વિશ્વાસ ઘાત કર્યો છે. જનતા ને કહું છું કે તમે ગાંધીનગરની તસ્વીર બદલી શકો છો."