- દેવું ભરવા માટે આરોપી નકલી નોટો છાપતો હતો
- ગ્રામભારતી પાસે માણસ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ધરપકડ કરી
- FSLના અધિકારીઓએ ખરાઇ કરતા નકલી નોટો હોવાનું સામે આવ્યું
ગાંધીનગર: માણસા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાઈક પર સવાર સંતોષ કુમાર કચરાભાઈ રાવળની 30 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ધરપકડ કરાઈ હતી. માણસા પોલીસ સ્ટેશનના પીઆઇ જતીનભાઈ પ્રજાપતિ તેમજ પી.એસ.આઈ એચ.કે. શ્રીમાળીએ પેટ્રોલીંગ દરમિયાન આ ઈસમની ગ્રામભારતી રોડ પરથી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી નોટો ભરેલી બેગ મળતા પહેલી નજરે પોલીસને શંકા જતા તેની તપાસ કરી હતી. એફ.એસ.એલ.ના અધિકારીઓએ તેમજ બેંક પાસેથી ખરાઇ કરતા તમામ નોટો ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું.
આરોપી રૂપિયા 100, 500 અને 2,000ની નકલી નોટો પોતાના ઘરે રહીને જ પ્રિન્ટ કરતો હતો
આરોપી સંતોષકુમાર કચરાભાઈ રાવળ કે જે હાલ સરગાસણમાં રહે છે તેનું વતન માણસા તાલુકાનું ખડાત ગામ છે. જે પોતાના ઘરે જ રાત્રે નોટો પ્રિન્ટ કરતો હતો જેની પાસેથી રૂપિયા 100, 500 અને 2000ની નકલી નોટો મળી આવી છે. જેમાં મોટાભાગની એક જ સિરીઝની નકલી નોટો હતી. કુલ બે હજારની 1,137 નકલી નોટો, રૂપિયા 500ની 1204 નંગ નકલી નોટો, રૂપિયા 100ની 1240 નકલી નોટો એમ કુલ ટોટલ રૂપિયા 30 લાખની નોટો પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી. તમામ નોટોનો એફએસએલ અધિકારીએ પ્રાથમિક તપાસનું પરીક્ષણ અહેવાલ આપ્યો હતો અને માણસાના SBI બેન્કના મેનેજર દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. તમામ નકલી નોટો હોવાનું સામે આવ્યું હતું.