- રાખડીમાંથી ઓર્ગેનિક ખાતર પણ બનશે
- ગાંધીનગરમાં યોજાયેલ એક્ઝિબિશનમાં ઓર્ગેનિક રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર
- જૂનાગઢની મહિલાઓ હવે બનાવી રાખડીઓ
ગાંધીનગર : અત્યારે ઓર્ગેનિક પ્રોડકટ લોકો પસંદ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે રક્ષાબંધનમાં ઓર્ગેનિક રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ગાંધીનગર ખાતે સેક્ટર 7 ખાતેના કોમ્યુનિટી હોલમાં એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં ગાયના છાણમાંથી બનાવેલી રાખડી જોવા મળી હતી. જુદા-જુદા પ્રકારની ડિઝાઇનર રાખડીઓ આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રાખડી જૂનાગઢની સખી મંડળની બહેનોએ બનાવી
જુનાગઢથી લઇ ગાંધીનગર સુધી આ પ્રકારની રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કેમકે, આ રાખડી જૂનાગઢની સખી મંડળની બહેનોએ બનાવી છે. જેમાંથી જે ઇન્કમ આવશે તે સખી મંડળની બહેનો અને ગૌશાળાને અપાશે. આ રાખડીઓ કંઇક વિશિષ્ટ રીતે બને છે જેને તમે ઘરે પણ બનાવી શકો છો.
આ રીતે તમે ઘરે પણ બનાવી શકો છો રાખડીઓ
જૂનાગઢના કોયલી ગામના ગોપી મંગલમ ગ્રુપ અને કામધેનુ ગીર ગૌશાળાની મહિલાઓએ મળી આ રાખડીઓ બનાવી છે. જેમાં સૌ પ્રથમ ગોબર, તુલસીના પાનનો પાઉડર, હળદર, ગૌ મૂત્રનો અર્ક, ગુલાબ પાવડરને મિક્સ કરવું, મિક્સ કર્યા બાદ તેને તૈયાર બીબામાં ઢાળી મોલ્ડ કરવું, સુકાયા બાદ બીબાની આ ડિઝાઇન બહાર આવશે. ત્યાર બાદ રૂટિન પ્રક્રિયા કરી રાખડી બનાવી શકાય છે. રાખડીની બીજી વિશેષતા એ છે કે તેને કુંડામાં પધરાવવાથી તેમાંથી ઓર્ગેનિક ખાતર પણ બને છે. જેથી પ્રકૃતિ માટે આ શ્રેષ્ઠ ઓર્ગનીક રાખડી કહી શકાય.