- સતત ત્રીજીવાર ગુજરાતે મેળવ્યું પ્રથમ સ્થાન
- આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વધુ એક સફળ કદમ
- ઓનલાઇન સર્વે હાથ ધરીને LEADS ઇન્ડેક્ષ તૈયાર કરાયું
ગાંધીનગર : દેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત 2078ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ LEADS-2021માં ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતે આ અગાઉ 2018 અને 2019 એમ બન્ને વર્ષોમાં LEADS ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવેલી છે.
ઓનલાઇન સર્વે હાથ ધરીને LEADS ઇન્ડેક્ષ તૈયાર કરાયું
દેશમાં ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજીસ્ટીકસ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો, મંતવ્યો મેળવીને તથા ઓનલાઇન સર્વે હાથ ધરીને આ LEADS ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીના વ્યાપક સંક્રમણના સમયગાળા દરમિયાનના આ ઇન્ડેક્ષમાં ગુજરાતે કોરોના મહામારીની વિપદા છતાં પણ પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખવાની ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે. LEADS-2021 ઇન્ડેક્ષના પેરામીટર્સમાં ર૧ ઇન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે રોડ – રેલ નેટવર્ક, પોર્ટસ એન્ડ એરપોર્ટસ, વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ તેમજ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અપાતી સેવાઓમાં નિર્ધારિત સમયમર્યાદામાં ડીલીવરી, એક સ્થળેથી બીજા સ્થળે માલ-સામાન પહોચાડવાની સરળતા, માલ-સામાનની ટ્રેસેબિલીટી, સિકયુરિટી અને ઓપરેટીંગ એન્ડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ તહેત કાયદો વ્યવસ્થા, લેબર લોઝ, મંજૂરીઓમાં પારદર્શીતા જેવા કી ઇન્ડીકેટર્સનો સમાવેશ થાય છે. ગુજરાતે આ બધા ઇન્ડીકેટર્સમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ રેન્કીંગ મેળવ્યું છે. આ રેન્કીંગમાં ગુજરાત પછી હરિયાણા બીજા ક્રમે તેમજ પંજાબ ત્રીજા ક્રમે છે.
ગુજરાત દેશના GDPમાં 8 ટકાના યોગદાન સાથે અગ્રીમ ઔદ્યોગિક રાજ્ય