- ફાફડા જલેબી વિના દશેરા અધૂરી
- ગુજરાતીઓની આગવી ઓળખ ફાફડા-જલેબી
- ગુજરાતીઓ દરવર્ષે કરોડોના ફાફડા- જલેબી આરોગી જાય છે
ન્યૂઝ ડેસ્કઃ ETV Bharatના સર્વે મુજબ ગુજરાતના વિવિધ શહેરોમાં અત્યારે કિંમતની દૃષ્ટિએ જોઈએ તો ફાફડા અને ચોખ્ખા ઘીની જલેબીના ભાવ વધુ જાણવા મળ્યા છે. એક અંદાજ મુજબ દશેરાના દિવસે ગુજરાતીઓ આશરે રૂપિયા 400થી 500 કરોડના ફાફડા-જલેબી ઑડકારી જાય છે. એકલા અમદાવાદ શહેરમાં સરેરાશ 7થી 8 લાખ કિલો જેટલાં ફાફડાં-જલેબી એક જ દિવસમાં વેચાતા હોવાનો અંદાજ છે. નવરાત્રિમાં આઠમના દિવસથી ફાફડા-જલેબીના અનેક જગ્યાએ કાઉન્ટરો લગાવવામાં આવે છે.
દશેરા પર કોરોનાની અસર: સુરતના ફરસાણ વિક્રેતાને એક પણ એન્ડવાન્સ ઓર્ડર નહીં
કોરોનાની મહામારીની અસર તમામ વેપાર-ધંધા પર જોવા મળી રહી છે, ત્યારે તહેવારોમાં વેપાર-ધંધા બંધ રાખવા માટે સરકારે આદેશ કર્યા બાદ તેની સીધી અસર જેતે વેપાર પર જોવા મળી રહી છે. ખાસ દશેરા પર્વ પર વેપારીઓને દર વર્ષે 400 કિલોનો એડવાન્સ ઓર્ડર મળતો હોય છે, પરંતુ આ વર્ષે એક પણ ઓર્ડર મળ્યો નથી. જેથી ફરસાણના વિક્રેતાઓમાં નિરાશનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફાફડા-જલેબીમાં વપરાતો ચણાનો લોટ સરેરાસ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો
રાજ્યના વિવિધ જિલ્લામાં ચણાના લોટની વિવિધ કિંમત જોવા મળી છે. જે મુજબ રાજકોટ શહેરમાં ચણાનો લોટ 93થી લઈને 100 રૂપિયા પ્રતિ કિલો મળે છે. આ સાથે જ સુરેન્દ્રનગરમાં 120 રૂપિયા પ્રતિ કિલો ચણાનો લોટ મળતો હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં 80 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે શહેરી વિસ્તારમાં રૂપિયા 85 પ્રતિ કિલો ચણાનો લોટ મળી રહ્યો છે.
ફાફડા જલેબીમાં વપરાતા વિવિધ તેલોની કિંમત
મોટા ભાગના વેપારીઓ ફાફડા-જલેબીમાં સિંગ તેલનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત અમૂક વેપારીઓ કપાસિયા અને પામોલીન તેલનો પણ ઉપયોગ કરતા હોય છે, ત્યારે અમદાવાદમાં સિંગતેલના જુનો ડબ્બો રૂપિયા 2200થી 2300 રૂપિયામાં મળી રહ્યો છે. આ સાથે જ કપાસીયા તેલનો ડબ્બો રૂપિયા 1590થી 1690માં મળી રહ્યો છે. આ સાથે જ પામોલીન તેલનો ડબ્બો રૂપિયા 1410થી 1430માં મળી રહ્યો છે.