- પ્રતિનિધિ મંડળે વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત કરી
- નવ સભ્યોનું પ્રતિનિધિ મંડળ બે દિવસની મુલાકાતે આવ્યું છે
- ધોલેરા ખાતે SIR અને સ્માર્ટ સિટીનું નિર્માણ થઇ રહ્યું છે
ગાંધીનગર : ગુજરાતના વિકાસ મોડલના તલસ્પર્શી અભ્યાસ માટે કર્ણાટક સરકારના લાર્જ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ પ્રધાન જગદીશ શેટ્ટરની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓનું નવ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યપ્રધાને ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ મંડળને આવકાર્યા
મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ મંડળને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી ગાંધીનગર ખાતે GIFT City તેમજ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામી છે. આ ઉપરાંત ધોલેરા ખાતે SIR અને સ્માર્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
મુખ્યપ્રધાન સાથે કર્ણાટક સરકારના પ્રધાન જગદીશ શેટ્ટરની યોજાઈ મુલાકાત દર બે વર્ષે વાયબ્રન્ટ સમીટનું થાય છે આયોજન
ગુજરાતમાં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવા દર બે વર્ષે વાયબ્રન્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યપ્રધાન, મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, સચિવ અશ્વિની કુમાર, કર્ણાટક ઉદ્યોગ મિત્રના એમ.ડી. એચ. એમ. રેવન્નાગૌડા સહિત ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં અત્યારસુધીમાં 2.87 કરોડથી વધુ લોકોનું કરાયું રસીકરણ
મુખ્યપ્રધાને ગુજરાતમાં કોરોનામાં કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવી ગયું છે. ગુજરાતે સંપૂર્ણ લોકડાઉન લગાવ્યા વિના કોરોનાના કેસ નિયંત્રિત કર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.87 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેના પર કામ કરી રહી છે.
વિવિધ ઇ-લોકાર્પણની માહિતી આપી કાર્યક્રમમાં સહભાગી થવા આપ્યું આમંત્રણ
મુખ્યપ્રધાને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કેપિટલ રેલવે સ્ટેશન અને પંચતારક હોટલ તેમજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે થનારા વિવિધ ઇ-લોકાર્પણની માહિતી આપી આ કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
કેવડિયા સહિતની મુલાકાત કરવા પ્રતિનિધિ મંડળને આ પ્રસંગે અનુરોધ કર્યો
મુખ્યપ્રધાન ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડિયા, SIR ધોલેરા, GIFT City ગાંધીનગર અને મુદ્રાપોર્ટની મુલાકાત કરવા પ્રતિનિધિ મંડળને આ પ્રસંગે અનુરોધ કર્યો હતો. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણની તકો તેમજ CM ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની સંપૂર્ણ કામગીરીથી પ્રતિનિધિ મંડળને અવગત કર્યા હતા. આ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી નિવાસ સ્થાને કાર્યરત CM ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની મુલાકાત કરી હતી.