ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન લૉક ડાઉનની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના નાના દૂધ ઉત્પાદકો-પશુપાલકો જેઓ કોઇ દૂધ મંડળીના સભાસદો નથી તેઓ દૂધનું વિતરણ સ્થાનિક રીતે કરી શકતાં નથી અને દૂધ બગડી જવાથી તેમને આર્થિક નુકશાન વેઠવા વારો આવે છે. નાના પશુપાલકો-દૂધ ઉત્પાદકોને આર્થિક નુકશાનથી રાહત આપવા તેમના વિશાળ હિતમાં એવો નિર્ણય કર્યો છે કે, નાના દૂધ ઉત્પાદકો જો કોઇ દૂધમંડળીના સભાસદ ન હોય તો પણ હાલની સ્થિતિમાં તેઓ પોતાનું દુધ પ્રાથમિક દૂધ સહકારી મંડળીમાં ભરાવી શકશે.
અસંગઠિત ક્ષેત્રના કામદારો, મજૂરો-શ્રમિકોને પણ તેમના માલિક-ઊદ્યોગ-વેપાર-સંચાલકો લોકડાઉન સમય દરમિયાન છૂટા નહીં કરી શકે તેમ જ વેતન પણ કાપી ન શકે.નિરાધાર, દિવ્યાંગ, ગંગાસ્વરૂપા માતાબહેનો તથા રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજનાઓ અંતર્ગત માસિક પેન્શન મેળવતા લાભાર્થીઓને લૉક ડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં આર્થિક સંકડામણ ન ભોગવવી પડે તે માટે આવા લાભાર્થીઓને એપ્રિલ માસનું માસિક પેન્શન એડવાન્સમાં આપવા અગાઉ જાહેરાત કરેલી હતી. રાજ્યમાં આવા 13.66 લાખ લાભાર્થીઓના બેન્ક ખાતામાં એપ્રિલ માસના પેન્શનની કુલ રૂ. 221 કરોડની રકમ ડાયરેકટ બેનીફિશીયરી ટ્રાન્સફર-ડી.બી.ટી.થી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે.