ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં વધારો, કોર્પોરેશન દ્વારા વર્ક સાઇટ્સને નોટિસ ફટકારાઈ - મચ્છરોના બ્રિડિંગ

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા જાન્યુઆરી મહિનાથી હેલ્થ સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધી ડેન્ગ્યુના અને મલેરિયાના મળી 119 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત, વાયરલ તાવના કેસો પણ દર મહિને 1000થી 1,500 જેટલા નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારની 179 જેટલી સાઇટ્સ પર ખુલ્લા પાણી રહેતા નોટિસ આપવામાં આવી છે.

ગાંધીનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં વધારો
ગાંધીનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં વધારો

By

Published : Aug 18, 2021, 6:21 PM IST

  • ચોમાસામાં ડેન્ગ્યુના 54 અને મલેરિયાના 65 કેસો નોંધાયા
  • સામાન્ય તાવ, વાયરલ, ટાઈફોડના કેસો સિવિલમાં નોંધાયા
  • કોર્પોરેશન દ્વારા 179 જેટલી સાઇટ્સને નોટિસ ફટકારાઈ

ગાંધીનગર :ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 7થી વધુ મહિનાથી હેલ્થને લગતા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ચોમાસા દરમિયાન મચ્છર જન્ય રોગોથી થતા રોગોમાં ડેન્ગ્યુના 54 અને મલેરિયાના 65 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત, ચિકન ગુનિયાના 9 કેસો અત્યાર સુધી નોંધાયા છે. આ ઉપરાંત, જિલ્લામાં આગામી દિવસોમાં વાયરલ રોગો વધી શકવાની ડોક્ટર્સ દ્વારા સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો:સુરતમાં વરસાદના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધ્યા, હોસ્પિટલ્સમાં સુવિધા વધારાઈ

ગાંધીનગરમાં સામાન્ય તાવ અને વાયરલ, ટાઈફોડના કેસો

કોર્પોરેશનના મેડિકલ હેલ્થ કમિશનર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, "અત્યાર સુધી 33,000 લોકોના સેમ્પલ લેવાયા છે. અત્યારે પણ કેસો નોંધાઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને જૂન અને જુલાઈમાં ચોમાસા દરમિયાન તાવને લગતા કેસો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. જેમાં મચ્છર જન્ય રોગોથી થતા જેવા કે ડેન્ગ્યુના 54 અને મલેરિયાના 65 કેસો ચોમાસામાં સામે આવ્યા છે. આ ઉપરાંત, ચિકન ગુનિયાના 9 કેસો અત્યાર સુધી નોંધાયા છે." આ સાથે સામાન્ય તાવ અને વાયરલ, ટાઈફોડના કેસો પણ સિવિલમાં નોંધાઈ રહ્યા છે.

કોરોનાના કેસો ઘટ્યા તો મેલેરિયા, ડેન્ગ્યુના કેસો વધ્યા

એક બાજુ કોરોના મહામારીના કેસો ઘટી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મેલેરિયા, ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના નવા વિસ્તારની સોસાયટીઓમાં ડેન્ગ્યુ, મેલેરિયા સાથે ઝેરી મેલેરિયાના કેસો પણ જોવા મળે છે. ઝેરી મેલેરિયાના એક જ સપ્તાહમાં 4 કેસો સિવિલમાં નોંધાયા હતા. સામાન્ય રીતે નવરાત્રિમાં ચિકનગુનિયાના કેસો નોંધાતા હોય છે, પરંતુ આ વખતે બિમારીના લક્ષણો વહેલા જોવા મળ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના એક જ સપ્તાહમાં 12 કેસો આ સિઝનમાં નોંધાયા હતા.

આ પણ વાંચો:નિષ્ણાતનો મતેઃ ડેન્ગ્યુ, મલેરિયા બાદ સ્વસ્થ થઈ શકાય એ જ રીતે કોરોનાથી પણ સ્વસ્થ થઈ શકાય છે

ખુલ્લા પાણીમાં પોરા જોવા મળતા અપાઈ નોટિસ

ગાંધીનગરમાં જુદી જુદી સાઇટ્સ કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ખુલ્લુ રહી જતું હોય છે, જેથી મચ્છરના પોરા થઈ જવાથી રોગચાળો ફેલાય છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ મચ્છરના ઉપદ્રવના કારણે જ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો ચોમાસામાં નોંધાય છે. જેથી કોર્પોરેશન દ્વારા સક્રિય થઇને જુદી જુદી કન્સ્ટ્રકશન સાઈડ તેમજ અન્ય સાઇટ્સ પર તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, "અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારની 179 જેટલી સાઇટ્સ પર ખુલ્લા પાણી રહેતા નોટિસ આપવામાં આવી છે. બીજા તબક્કામાં પણ 15 દિવસમાં તપાસ કરવામાં આવશે."

ABOUT THE AUTHOR

...view details