ગાંધીનગરઃ કોરોના વાઇરસના કારણે સ્વર્ણિમ સંકૂલ-1 અને સ્વર્ણિમ સંકૂલ-2માં બેસનારા પ્રધાનોને મળવું સામાન્ય માણસ માટે દુષ્કર બન્યું છે. જેથી ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, દર સોમવારે અને મંગળવારે રાજ્યના વિવિધ ખાતાના પ્રધાનો બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી કમલમ ખાતે બેસશે.
પ્રધાનોના કમલમ ખાકે બેસવાના કારણે ભાજપના કાર્યકરો અને સામાન્ય નાગરિકો પાસ લેવા જેવી ઝંઝટમાં પડ્યા વિના પ્રધાનોને રજૂઆત કરી શકશે. ત્યારબાદ રજૂઆત કરવા આવનારાનો જવાબ તેમને લેખિતમાં આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ખાતાના પ્રધાનો ફરિયાદ લેવા સમયે હાજર નહીં હોય, તો નાગરિકોની રજૂઆતો સાંભળી જે-તે પ્રધાન સુધી પહોંચાડવામાં આવશે.