- રાજ્યમાં વધી રહેલી આગ દુર્ઘટનાને કારણે ગાંધીનગર ફાયર વિભાગ હરકતમાં આવ્યું
- 2 દિવસમાં 150થી વધું દુકાનો તેમજ ઓફિસ સીલ કરાઇ
- ફાયર NOC ન હોવાને કારણે કડક કાર્યવાહી કરાઇ
- હજૂ બીજી વધુ 50થી 70 દુકાનો સીલ કરવામાં આવે તેવી શક્યતા
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી આગ દુર્ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મોટાપાયે જાન અને માલનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં આગ દુર્ઘટના ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 26 જાન્યુઆરીથી નવી પોલિસી સમગ્ર રાજ્યમાં અમલી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર ફાયર વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. ગત બે દિવસ દરમિયાન ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સેક્ટર-11માં આવેલા શોપિંગ ટાવરમાં ફાયર NOC ન હોવાને કારણે 150થી વધુ દુકાનો અને ઓફિસ સીલ કરવામાં આવી છે.
2 દિવસમાં કરાઇ કડક કાર્યવાહી
ફાયર અધિકારી મહેશ મોઢે જણાવ્યું હતું કે, ગાંધીનગર સેક્ટર-11માં આવેલા શોપિંગ સેન્ટર્સમાં ફાયર વિભાગ દ્વારા પ્રથમ નોટિસ અને બીજી નોટિસ આપવામાં આવી હતી અને તેમના ફાયર સિસ્ટમ કાર્યરત કરવા બાબતની સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ શોપિંગ સેન્ટર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે કારણે ફાયર વિભાગે તપાસ કર્યા બાદ સેક્ટર-11માં આવેલા બે શોપિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 150થી વધુ દુકાનો અને ઓફિસને સીલ કરવામાં આવી છે.