- અમદાવાદના મસ્કતી માર્કેટના વેપારીઓની રાજ્ય ગૃહપ્રધાન સાથે બેઠક
- હવે અમદાવાદના હોલસેલના વેપારીઓ માટે પોલીસ સજ્જ
- વેપારીઓ સાથે નાણાકીય અપરાધ કરનારા તત્વો વિરુદ્ધ થશે કાર્યવાહી
- અન્ય રાજ્યમાં પણ અમદાવાદ પોલીસ કરશે તપાસ
- ઉધારમાં ચાલતા વેપારમાં રોકડ લેણદેણમાં સમસ્યાઓ
ગાંધીનગર : રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને અમદાવાદના મસ્કતી માર્કેટ અને બીબીસી માર્કેટ(પાંચકૂવા બજાર) ના વેપારી આગેવાનોએ ઘણા સમય પહેલા ઉધારમાં ચાલતા વેપારમાં લેણદેણની સમસ્યા અંગેની રજૂઆત કરી હતી. જ્યારે ઉધારમાં ચાલતા વેપારમાં અમુક તત્વો દ્વારા માલ ઉપાડી લેવામાં આવે છે પરંતુ અમુક સમય ગયા બાદ પણ પેમેન્ટ કરવામાં આવતું નથી. ત્યારે વેપારીઓને આર્થિક નુકસાન અને શંકા પણ ભોગ બનવું પડે છે. રાજ્યના ગૃહવિભાગના અમદાવાદ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવાની માગ કરી હતી. જેને લઈને આજે અમદાવાદ પોલીસ દ્વારા એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેથી હવે આવનારા દિવસોમાં આવા કેસ અંગેની તપાસ અમદાવાદ પોલીસની એસઆઇટીની ટીમ દ્વારા કરવામાં આવશે.
અન્ય રાજ્યમાં કરવામાં આવશે તપાસ
રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અમદાવાદના વેપારીઓને અમુક વેપારીઓ દ્વારા માલ ઉપાડીને તેઓને પૈસા આપવામાં આવતા નથી. આવા વેપારીઓ અને આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે અન્ય રાજ્યના વેપારીઓ વિરુદ્ધ પણ અમદાવાદ પોલીસની ટીમ કામગીરી કરી શકશે.
વેપારીઓને આવે છે ખંડણીના ફોન
નામ ન આપવાની શરતે વેપારીઓએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ખંડણીના ફોન બાબતની પણ ફરિયાદ કરી હતી. છેલ્લા કેટલાય સમયથી અંદર અમદાવાદના મસ્કતી માર્કેટ અને બીબીસી માર્કેટ માર્કેટના વેપારીઓની કુલ 342 જેટલી ખંડણી અંગેની ફરિયાદ અને અરજી પોલીસને પ્રાપ્ત થઈ છે. જેમાંથી 52 અરજીનો નિકાલ પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યો છે. જ્યારે અનેક અરજીઓનો નિકાલ સંમતિથી કરવામાં આવ્યો છે. વ્યાપારીઓને અનેક અસામાજિક તત્વો દ્વારા ખંડણીના પણ ફોન આવી રહ્યાં છે. ત્યારે આ બાબતે પણ રાજ્યના ગૃહવિભાગના અમદાવાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પ્રદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે.
ટૂંકસમયમાં બનશે પોલીસ સ્ટેશન
બીબીસી માર્કેટ અને મસ્કતી માર્કેટને ધ્યાનમાં લઈને ટૂંકસમયમાં અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ ચોકી અથવા તો પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. જેમાં ફક્ત નાણાકીય વ્યવહારોને લગતી જ કામગીરી હાથમાં લેવાય તેવું નિવેદન મસ્કતી માર્કેટના આગેવાન ગૌરાંગ ભગતે આપ્યું હતું. આમ વેપારીઓ સાથે થતા નાણાંકીય વ્યવહારોમાં કોઈપણ પ્રકારની ચેડાં થાય નહીં તે બાબતે પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસે એસઆઈટીનું ગઠન કરતાં આજે બીબીસી માર્કેટના વેપારી આગેવાનો અને મસ્કતી માર્કેટના વેપારી આગેવાનોએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.