ગાંધીનગર: કોવિડ-19થી બચવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક ફરજીયાત કરવામાં આવ્યાં છે, જ્યારે માસ્ક માટે જેતે મહાનગરપાલિકા, પાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને દંડ વસૂલવાની સત્તા પણ સરકાર દ્વારા આપવામાં આવી છે, ત્યારે હવે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળને પણ માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોવિડ-19નું સંક્રમણથી બચવા અને સંક્રમણ ફેલાતો અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમ અનુસાર દંડ વસૂલ કરવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી, જ્યારે હવે આ સત્તા પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને સોપવામાં આવી છે.