ગાંધીનગરઃ પાટનગરના મુખ્ય માર્ગ સમાન ઘ-રોડ પર કાળા રંગની એક કારે યમદૂતની જેમ આતંક મચાવ્યો હતો. નબીરાના બેફામ ડ્રાઈવિંગના કારણે પાટનગરમાં વિસ્મયકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થવાનું જોખમ ઊભું થયું હતું. બેફામ બનેલા નબીરાને રોકવાનો પ્રયાસ કરનારા સામે પણ બદલો લીધો હોય તેમ એક વ્યક્તિનો હાથ ટાયર નીચે કચડી નાખ્યો હતો અને પીછો કરનારી એક કારને ટક્કર મારી અકસ્માતગ્રસ્ત બનાવી દીધી હતી.
ઘ-4 ખાતે ઘ-5 બાજુથી આવતી વેગન-આર કારને બેંક ઓફ બરોડા નજીક સામેથી આવતી કાળા રંગની જીપ કમ્પાસ કારે સામાન્ય ટક્કર મારી હતી. વેગન-આર કારમાં બેઠેલા વ્યક્તિએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. કારમાંથી ઉતરીને જીપને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. કારને રોડની સાઈડમાં લેવાના બહાને ચાલકે કાર ભગાવી હતી. કારચાલકને રોકવા માટે વેગન-આરમાંથી ઉતરેલા ઈસમે તેના દરવાજાનું હેન્ડલ પકડી લીધું હતું.
ચાલકે ઓચિંતી કાર ભગાવતા તેઓ હેન્ડલ પર લટકી ગયા અને કાર સાથે ઘસડાયા હતા. આમ છતાં નબીરાએ ફૂલ સ્પીડમાં કાર ભગાવતા થોડે જ આગળ જઈને લટકી રહેલો વ્યક્તિ હેન્ડલ સાથે નીચે પટકાયો હતો. તેઓ ઊભા થાય તે પહેલા હાથ પરથી કારનું ટાયર ફરી વળ્યું હતું. પાટનગરમાં ધોળા દિવસે અને ભરચક ભીડ વચ્ચે આ પ્રકારની ઘટના સહન ન થતાં એક્સેન્ટ કાર લઈને જતા યુવકે બ્લેક કારનો પીછો કર્યો હતો. બેંક ઓફ બરોડાથી થોડે આગળ સ્વર્ણિમ પાર્કના ગેટ પાસે યુવક બ્લેક કારની બાજુમાં પહોંચી ગયો હતો. જો કે કોઈપણ ભોગે નહીં રોકાવાનો નિર્ણય કરી લેનારા ચાલકે જીપને સાઈડમાં દબાવી હતી, જેના કારણે એક્સેન્ટ કાર ડિવાઈડર પર ચઢીને થાંભલામાં ઘૂસી ગઈ હતી.
આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓમાં ચાલતી ચર્ચા મુજબ કોઈ યુવક કાર ચલાવી રહ્યો હતો. સામાન્ય અકસ્માત બાદ બચવા માટે ભાગેલા નબીરાએ અનેક લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. ગાંધીનગરના માર્ગો પરથી કોઈ ગુનેગાર પસાર થાય તો પણ પોલીસની નજરે પડી જાય તેવા હાઈ રીઝોલ્યુશન કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ મારફતે દરેક માર્ગ પર ચાંપતી નજર રાખવામાં આવે છે.
આમ છતાં ઘ-રોડ પર આતંક ફેલાવનારા નબીરા સુધી પોલીસ પહોંચી શકી ન હતી. આટલું ઓછું હોય તેમ, મોડી સાંજ સુધી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ પૂરી થઈ ન હતી.