ગાંધીનગર : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યૂટી કલેકટર તૃપ્તિ વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 2 સુઘી 36 તાલુકાઓમાં 1 મીમી થી લઇ 127 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ 127 મીમી વરસાદ નોધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 4 ઓગસ્ટ અંતિત 358.67 મીમી વરસાદ થયો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરખામણીએ 43.15 ટકા છે.
5 થી 7 ઓગસ્ટ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 8મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - કૃષિવિભાગ
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપનો વેબિનાર યોજાયો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમ જ અરબી સમુદ્ર નજીક બનેલા સાયકલોનીક સકર્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 5 ઓગસ્ટે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, 6 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા 7 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી છે. આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું છે કે, તા. 8મી ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવાની મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ જે લોકો દરીયો ખેડવા ગયેલા છે તેઓને ૫રત બોલાવવાની કામગીરી ચાલુમાં છે.
મોસમ વિભાગની અગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના ૫ગલે રાજ્યના તમામ વિભાગોને સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલે તાકીદ કરી છે. નર્મદા તેમજ અન્ય નદીઓ કે જે ૫ડોશી રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે તેમની જળ સપાટી અંગે સંબંધિત રાજયોમાં થયેલા વરસાદ મુજબ સતત દેખરેખ રાખવા પણ જરૂરી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી, આ અંગેની તમામ વિગત ઉચ્ચ ઓથોરિટીને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. તે ઉપરાંત લોકોને નદીનાળાં કે કોઝવેથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે.