ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારની ચીમકી બાદ પણ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી - Health Workers

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના સામે રક્ષણ માટે રસીકરણની શરૂઆત કરાવી છે. ત્યારે રાજ્યમાં પંચાયત હસ્તકના સરકારી આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે ને લઈને હડતાલ કરી રહ્યા છે. રાજ્ય સરકાર સાથે કરેલી ચર્ચા પણ નિષ્ફળ નીવડી છે, ત્યાર બાદ રાજ્ય સરકારે કર્મચારીઓને હાજર થવાની કડક સૂચના આપી હતી અને કાયદેસર કાર્યવાહી માટેની ચીમકી પણ આપી હતી, પરંતુ આની પણ અસર કર્મચારીઓ પણ નહિવત થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં સરકારી કર્મચારીના આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર અમારી માંગ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે.

સરકારની ચીમકી બાદ પણ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી
સરકારની ચીમકી બાદ પણ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી

By

Published : Jan 20, 2021, 8:12 PM IST

  • પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત
  • સરકારની ચીમકીની ઘોળીને પી ગયા કર્મચારીઓ
  • ગેેડ પે વધારવાની કરી રહ્યા છે માંગ

ગાધીનગરઃ રાજ્ય સરકારમાં પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓ જાન્યુઆરીથી ગ્રેડ પે વધારવાના મુદ્દે હડતાળ પર છે. સરકારના રસીકરણનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે રસીકરણના કામમાં કોઈ અવરોધ ન આવે તે માટે સરકારે હવે કડક વલણ દાખવ્યું છે. તમામ કર્મચારીઓને હડતાળ પૂર્ણ કરીને તાત્કાલિક હાજર થવાની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા 18 જાન્યુઆરીના રોજ આપવામાં આવી હતી.

હડતાલ પૂર્ણ કરો નહિ તો સર્વિસ પૂર્ણ

ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે 18 જાન્યુઆરીના રોજ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્ય પંચાયતના આરોગ્ય કર્મચારીઓ તાત્કાલિક હડતાલ પૂર્ણ કરીને ફરજ પર હાજર થાય અને જો હાજર નહીં થાય તો ગેરહાજર તમામ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને અનઅધિકૃત રીતે ફરજ પર ગેરહાજર ગણીને સર્વિસ બ્રેક મુજબના પણ નિર્ણય લેવામાં આવશે. જેથી જો કોઈપણ કર્મચારીઓ હડતાળ પૂર્ણ કરી ફરજ પર નહીં પરત ફરે તો તેઓની નોકરી પણ ગુમાવવાનો વારો આવશે.

જાહેર જનતાની માફી માંગીએ છીએ

પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીના આગેવાન રણજીતસિંહ મોરીએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારની ચીમકી બાદ પણ હડતાળ ચાલુ રહેશે અગાઉ પણ ભૂતકાળમાં બે વર્ષ પહેલા હડતાલ પાડી ચુક્યા છીએ અને રાજ્ય સરકારે લેખિતમાં અને મૌખિક માં અમને આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ તે હજી સુધી તેઓએ અમલ કર્યો નથી. અગાઉ પણ રજૂઆત કરવા છતાં કોઇ પણ પરિણામ આવ્યું નથી અને આ ત્રીજી વખત હડતાલ પાડીએ છીએ. વેક્સિનેશન કાર્યક્રમ અને અન્ય ગામમાં પ્રજાને પડતી હાલાકી બાબતે પણ પંચાયત આરોગ્ય કર્મચારીના આગેવાન રણજીતસિંહ મોરીએ લોકોની માફી પણ માંગી છે.

33,000 જેટલા કર્મીઓ છે હડતાલ પર

સમગ્ર રાજ્યમાં પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હડતાલથી સરકારનો વિરોધ કરીને વધારાના ગ્રેડ પેની માંગ કરી રહ્યા છે. આમ રાજ્યમાં કુલ 33 હજાર જેટલા કર્મચારીઓ હડતાળ પર છે.

1800 ગ્રેડ પે વધારીને 2800 ગ્રેડ પે કરવાની કરી છે માંગ

પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ રાજ્ય સરકારમાં આવેદનપત્ર આપીને 1,800 ના ગ્રેડ પે વધારીને 2800 ગ્રેડ પે કરવાની માંગ કરી છે. આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સાથે બેઠક પણ યોજી હતી, પરંતુ બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો ત્યારબાદ હડતાલ પર જવાનો કર્મચારીઓએ નિર્ણય કર્યો હતો.

સરકારની ચીમકી બાદ પણ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી

ABOUT THE AUTHOR

...view details