રાજસ્થાન બાદ ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોનો મૃત્યુદરનો અંક વધી રહ્યો છે. આ મામલાને લઈને ચર્ચાએ જોર પકડયું છે, તો વિપક્ષે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખરેખર નવજાત બાળકોનો મૃત્યુદર વધારે નથી, પરંતુ ગુજરાત બહારના દર્દીઓ પણ સારવાર માટે અર્થે આવે છે. જેથી મૃત્યુદર વધારે જોવા મળે છે.
બાળકોના મૃત્યુ મામલે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું- 'બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે' નીતિન પટેલે જણાવ્યું હતું કે, 1997માં નવજાત બાળકોનો મૃત્યુદર 62 ટકા જેટલો હતો, જે આજે ઘટીને 20-25 ટકાની આસપાસ પહોંચ્યો છે. અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માત્ર 1 માસમાં નવજાત બાળકોનો મૃત્યુ આંક 200ને પાર ગયો છે, ત્યારે આ મામલે વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષે સરકારને આ મામલે વિચારણા કરવાની રજૂઆત કરી હતી.
વિપક્ષના પ્રહારનો વળતો જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખરેખર નવજાત બાળકોનો મૃત્યુદર વધારે નથી. કેટલાક કિસ્સામાં સ્ત્રી પોતે બાળકને જન્મ આપવા પુખ્તવ્યની ના હોવા છતાં જન્મ આપે છે, જેના કારણે બાળકનું મૃત્યુ થાય છે, તો કેટલાક કિસ્સામાં ગર્ભવતી માતાને પોષકક્ષમ આહાર, રહેણી-કરણી જેવા કારણથી બાળક મોતને ભેટે છે.
નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ દર્દીઓ નહીં પરંતુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના દર્દીઓ પણ સારવાર લેવા છે. બહારથી આવેલા દર્દીઓના બાળકોના જન્મ થાય અને તે મોતને ભેટે છે, જે ગુજરાતના મૃત્યુ આંકમાં ગણાય નહીં. વિપક્ષ સરકાર પર પ્રહાર કર્યા પહેલા જણાવે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશના દર્દીઓને સારવાર માટે ગુજરાત શા માટે આવવું પડે છે.
આરોગ્ય પ્રધાને વધુમાં આંકડા જણાવતા કહ્યું હતું કે, રાજકોટમાં ઓક્ટોમ્બર મહિના દરમિયાન જનાના હોસ્પિટલમાં 815 પ્રસુતી કરાવવામાં આવી હતી. જેમાંથી 288 બાળકો કુપોષિત હોવાથી વધુ સારવારની જરૂરીયાત હતી. જેથી તેમને HNCUમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં બીજી હોસ્પિટલમાંથી પણ 290 બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતાં. આમ ઓક્ટોમ્બર મહિનામાં કુલ 452 બાળકોમાંથી 87 બાળકોનું મૃત્યું હતું. એટલે કે કુલ બાળકોમાંથી સરકાર 19.36 ટકા બાળકોને બચાવી ન શકી.
રાજકોટમાં નવેમ્બર મહિનામાં 846 પ્રસુતી કરવામાં આવી હતી. જેમાંથી 281 બાળકોને વધુ સારવાર અર્થે HNCUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને બહારની હોસ્પિટલમાંથી પણ નવેમ્બર મહિનામાં 175 બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતા. આમ કુલ 456 બાળકોમાંથી 71 બાળકોનું મોત થયું છે. એટલે કે, સરકારે નવેમ્બર મહિનામાં 85.5 ટકા બાળકોને બચાવી લીધા હતા.
ડિસેમ્બર મહિનાની વાત કરતાં આરોગ્ય પ્રધાને જણાવ્યું કે, રાજકોટના 8 સેન્ટરમાં 804 પ્રસુતી કરવામાં આવી હતી. જેમાંથી 288 બાળકોને વધુ સારવારની જરૂરીયાત જોવા મળી હતી. જેથી તે બાળકોને HNCUમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યારે બીજી હોસ્પિટલમાંથી 100 બાળકોને દાખલ કરાવવામાં આવ્યાં હતાં આમ કુલ 388 બાળકોમાંથી સરકાર 111 બાળકોને બચાવી ન શકી.
આરોગ્ય પ્રધાને વધુમાં કહ્યું કે, રાજકોટમાં ત્રણ મહિનાનો સરેરાસ બાળ મૃત્યુદર 30 ટકા રહ્યો. જેમાં ઘટાડો કરવા સરકાર પ્રયોસ કરી રહી છે.
નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ અંગે જણાવ્યું કે, નવેમ્બર મહિનામાં 901 સગર્ભાની પ્રસુતી કરાવવામાં આવી હતી. જેમાંથી 189 બાળકોને HNCUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં બીજી હોસ્પિટલમાંથી પણ 261 બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતાં. આમ કુલ 450 બાળકોમાંથી 71 બાળકોનું મોત થયું છે. એટલે કે, સરકારે 84 ટકા બાળકોને બચાવી લીધા છે. અને ડિસેમ્બરમાં 849 સગર્ભાની પ્રસુતી કરાવવામાં આવી હતી. જેમાંથી 172 બાળકો કુપોષિત જોવા મળ્યા હતા. જેથી તેમને HNCUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં અન્ય હોસ્પિટલમાંથી પણ 243 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. આમ કુલ 415 બાળકોમાંથી 88 બાળકોનું મૃત્યું થયું. એટલે કે, 21.2 ટકા બાળકોને સરકાર બચાવી ન શકી. પરંતુ સરકાર બાળ મૃત્યુદરને 15 ટકાથી ઓછો કરવાના પ્રયાસો કરી રહી છે.
કોંગ્રેસને આડે હાથ લઇને નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. કારણ કે, કોંગ્રેસ રાજસ્થાનનો મુદ્દો ઢાંકવા માટે આને મોટો મુદ્દો બનાવે છે. કોંગ્રેસના રાજ્યમાં આરોગ્યની પરિસ્થિતિ કથડી છે. જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના દર્દીઓ અમદાવાદમાં સારવાર લેવા આવે છે. આ વ્યક્તિના મોત થવાથી તે ગુજરાતમાં મોત થયું ગણાય એટલે ગુજરાતમાં મૃત્યુદર વધુ જોવા મળે છે.