કોરોના સિવાયની બીમારી મુદ્દે હોસ્પિટલ જતા દર્દીને થતી હાલાકી મુદ્દે HCનો નિર્ણય
ગુજરાતમાં કોરોના સિવાયની અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલ જતાં લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી રાજ્ય સરકારને નોટિસ પાઠવી 14મી એપ્રિલ સુધી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
ગાંધીનગર: કોરોના મહામારીને લીધે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કારણ વગર બહાર ફરતા લોકો પર કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જોકે કોરોના સિવાયની અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલ જતાં લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી રાજ્ય સરકારને નોટિસ પાઠવી 14મી એપ્રિલ સુધી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટે શ્રમિકોની સ્થિતિની નોંધ લેતાં રાજ્ય સરકારને તેની કામગીરીને વધુ યોગ્ય બનાવવાની ટકોર કરી છે. હાઈકોર્ટે એક સમાચાર પત્રમાં છપાયેલી ખબર કે, જેમાં અમદાવાદના એલિસબ્રીજ વિસ્તાર પાસે 200 જેટલા શ્રમિકો ખાવા-પીવાની ચીજવસ્તુઓ વગર ભૂખ્યા છે તેની નોંધ લઇ રાજ્ય સરકારને તેમની માટે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો છે.
આ સાથે ગુજરાત હાઇકોર્ટે શ્રમિકો મુદ્દે રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા આદેશ કે, જેમાં શ્રમીકોને ચાલતા અટકાવી નજીકના શેલ્ટર હોમમાં લઈ જવાનો આદેશ કર્યો હતો તેની સામે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી કેટલા શેલ્ટર હોમ કાર્યરત છે. આ અંગેની વિગતો માંગી છે. નોંધનીય છે કે હાઇકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમાર દ્વારા નાગરિકોને સમય આપ્યા વગર બહાર પાડવામાં આવેલા સાત દિવસના સંપૂર્ણ લૉકડાઉનના આદેશને રદ કરવા જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.