- વધુ સંક્રમણ ધરાવતા જિલ્લાઓમાં રસીકરણ
- ગુજરાતમાં 92 ટકા કામગીરી સાથે રસીકરણ
- ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રસીકરણ
ગાંધીનગર: કોરોના સંક્રમણ સામે રક્ષણના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણ અભિયાનમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 1 મેથી ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં 18થી 44 વર્ષની વય જુથના વ્યક્તિઓની કોવિડ-19 રસીકરણની કામગીરી શરૂ થઈ છે. જેમાં ગુજરાત પ્રથમ નંબરે પહેલા દિવસે રહ્યું હતું. વધુ સંક્રમણ ધરાવતા જિલ્લાઓમાં રસીકરણનો પ્રારંભ કરાયો હતો. જો કે, 18 વર્ષથી ઉપરનાએ જે રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેની સરખામણીએ પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો અત્યારે ગુજરાત સરકાર પાસે નથી.
આ પણ વાંચોઃ અરવલ્લીમાં ખાનગી તબીબોને કોરોના વેક્સિનેશન કરાયું
60,000 લોકોના આયોજન સામે 55,235 રસીકરણ ડોઝ અપાયા
આ 10 જિલ્લા કોર્પોરેશનમાં કુલ 60,000 ડોઝ પ્રથમ દિવસે આપવાના આરોગ્ય વિભાગના આયોજન સામે કુલ 55,235 વ્યક્તિઓને કોવિડની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના જે 9 રાજ્યો મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તમીલનાડુમાં રસીકરણ શરુ થયું છે. દેશના આ રાજ્યોમાં 80,000 જેટલા ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત તેમાં 92 ટકા કામગીરી એટલે કે, 60,000 સામે 55,235 ડોઝ આપીને ગુજરાત સમગ્ર દેશમાં 18થી 44ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને રહ્યું છે.
ગુજરાતમાં વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં રસીકરણ હાથ ધરાયું
ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરો તથા 3 જિલ્લા મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડ-19ના એક્ટિવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં 18થી 44ની વયના નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ કર્યું છે. રાજ્યના 18-44 વર્ષના વય જુથના યુવાઓનો રસીકરણ માટે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. જો કે, ક્યાંક રસી લેવા માટે આવેલા લોકોએ વિલા મોએ પાછા પણ જવું પડ્યું હતું. જેનું કારણ તેમને સિડ્યુઅલ મળ્યું નહોતું.