- જીતુ વાઘાણીએ ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક બિલ રજૂ કર્યું
- વિદ્યાર્થીઓ માટે અનેક શિક્ષણલક્ષી યોજનાઓ
- કોંગ્રેસે પણ વિધેયકને સપોર્ટ કર્યો
ગાંધીનગર:ગુજરાત રાજ્ય વિધાનસભાના બે દિવસીય ચોમાસું સત્રના પ્રથમ દિવસે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા ખાનગી યુનિવર્સિટીઓનું દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. જે સર્વાનુમતે પસાર થયુ હતું.
ગુજરાતમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા સરકાર કટિબદ્ધ
જીતુ વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના સારા સૂચનોનો સ્વીકાર કરીને ગુજરાતમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા સરકાર કટિબદ્ધ છે. આ બિલમાં રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે અગાઉ જોડવાના વિધેયકને રદ કરી મૂળ સ્વરૂપે ગ્રાન્ટેડ કોલેજોને સરકારી ઉચ્ચ શિક્ષણ સાથે જોડવાના સુધારા વિધેયક રજૂ કરાયો હતો. જેને સભાગૃહમાં પસાર કરવામાં આવ્યું છે.
શા માટે સરકારે અગાઉનો વિધેયક રદ્દ કર્યો
સરકારે અગાઉ ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડવાનું વિધાયક લાવ્યા હતા. પરંતુ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજથી ખાનગી યુનિવર્સિટી સાથેના જોડાણથી વહીવટી, સ્ટાફ, ભરતી તથા ફી અંગેના પ્રશ્નો સર્જાયા હતા. અનેક સંસ્થાઓ, અધ્યાપક મંડળ અને વિદ્યાર્થી મંડળની રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત શિક્ષણના વિશાળ હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ખાનગી યુનિવર્સિટીના દ્વિતીય સુધારા વિધેયકને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો, અહીં શિક્ષણ પ્રધાને વિરોધ પક્ષોનો પણ આભાર માન્યો હતો.
શિક્ષણના ખાનગીકરણનો વિરોધ
ઉલ્લેખનીય છે કે, જ્યારે અગાઉ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડવાનું વિધેયક લાવવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષક સંઘો અને વિધાર્થી પરિષદોએ તેનો વિરોધ કર્યો હતો. એમ પણ ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ વિરોધી હવા ચાલી રહી છે, ત્યારે સરકારે હવા જોઈને પોતાનું સઢ વાળ્યું હતું.
આ પણ વાંચો-મગફળી ખેડૂતો માટે સારા સમાચારઃ લાભપાંચમથી સરકાર શરુ કરશે ટેકાના ભાવે ખરીદી
આ પણ વાંચો-હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર