- ગુજરાત GST (સુધારા) વિધેયક 2021 વિધાનસભાગૃહમાં સર્વાનુમતે પસાર
- ધંધા રોજગારમાં સતત વૃદ્ધિ-વધારો થાય તેવા હેતુથી GST સુધારા બીલ લવાયું
- આ બીલથી વાર્ષિક પત્રક ફાઇલ કરવામાંથી મુક્તિ મળશે
ગાંધીનગર :વર્ષ 2017માં સૌપ્રથમ GST કાયદાનો દેશ વ્યાપી અમલ થયો હતો. આ નવીન કર કાયદો અમલમાં આવતા તેમાં વ્યાપારીઓને પડતી તકલીફો દૂર કરવા તેમજ કાયદાને વધુને વધુ સરળ બનાવવાના હેતુથી તેમાં સમયાંતરે ફેરફાર- સુધારા કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે મંગળવારે વિધાનસભા ગૃહ ( Gujarat Legislative Assembly )માં આ GST સુધારા વિધેયક(Gujarat GST Amendment Bill 2021 )પસાર કરવામાં આવ્યું છે.
GDP અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો
આ દરમિયાન નાણાપ્રધાન કનું દેસાઈ (Finance Minister Kanu Desai)એ કહ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાત સહિત ભારત અને વિશ્વના GDP અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના વેપારીઓ, ખેડૂતો, નાગરિકો વધુ સરળતાથી આ કરની પ્રક્રિયા સમજી અને અમલ કરી શકે તેવા શુભ આશયથી આ સુધારો કરવામાં આવ્યો છે. સરકારની આવક વધારવા નહીં, પરંતુ સારા અને સાચા વેપારીઓના હિતમાં આ સુધારો કરાયો છે.
ચાલુ વર્ષે 6,558 કરોડ રિફંડ અપાયું
નાણાપ્રધાન કનું દેસાઈએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે વેપારીઓને 8,476 કરોડ અને ચાલુ વર્ષે 6,558 કરોડનું GST રિફંડ ચુકવવામાં આવ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં અંદાજે 1.55 લાખ વેપારીઓ અને ચાલુ વર્ષે 60 હજારથી વધુ વેપારીઓએ GST હેઠળ નોંધણી કરાવી છે, જ્યારે ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ એક્ટ-2017 ના સુધારા પર બીલ રજૂ કરતા જણાવ્યું કે, GST કાઉન્સિલની 39મી બેઠકની ભલામણોને આધારે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રનાં GST કાયદાની જોગવાઇઓમાં સુધારાઓ કરવામાં આવેલો છે.
વન નેશન વન ટેક્ષ
દેશનાં કેટલાક રાજ્યો દ્વારા કાઉન્સિલની ભલામણને આધારે પોતાનાં GST કાયદામાં સુધારાઓ કરેલો છે. “વન-નેશન, વન-ટેક્સ” સૂત્રના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવી રાખવા માટે ગુજરાત GST કાયદામાં પણ સુધારાઓ કરવાનો છે.
ઓડિટમાંથી મુક્તિ અપાઈ
કરદાતાઓને સવલત થાય અને તેમના કોમ્પ્લાયન્સ કોસ્ટમાં ઘટાડો થાય તે માટે ચાર્ટર્ડ એકાઉટન્ટ/કોસ્ટ એકાઉટન્ટ પાસે વાર્ષિક હિસાબો ફરજિયાત રીતે ઓડિટ કરાવવામાંથી મુક્તિ, ચાર્ટર્ડ એકાઉટન્ટ/કોસ્ટ એકાઉટન્ટ દ્વારા રીકન્સીલીયેશન સ્ટેટમેન્ટ પ્રમાણિત કરાવવાને બદલે પોતાની મેળે સ્વપ્રમાણિત કરી શકે તેવી જોગવાઇ છે. 1લી જુલાઈ, 2017ની અસરથી વિલંબથી ચૂકવેલા વેરાની રકમ પર Net Tax Liability પુરતું જ વ્યાજ વસૂલ કરવાની જોગવાઇથી કરદાતા પર વ્યાજનું ભારણ ઘટશે અને બિન-જરૂરી વિવાદો ટાળી શકાશે.
ટેક્ષ ક્રેડિટ બાબતે સ્પષ્ટતા
કરચોરી પર નિયંત્રણ રાખીને ટેકસ કોમ્પ્લયન્સનો વ્યાપ વધારવા માટે વેચનારે ઇનવોઇસ/ડેબિટ નોટની વિગતો સ્ટેટમેન્ટમાં દર્શાવેલ ન હોય તેવાં કિસ્સામાં ખરીદનારને તેની ક્રેડિટ લેતાં અટકાવવા અને વેચનારે જે વ્યવહારો સ્ટેટમેન્ટમાં દર્શાવેલા હોય, પરંતુ પત્રકમાં દર્શાવેલા ન હોય તેવાં વ્યવહારો પર સીધે-સીધી વસૂલાત કરવા અંગેની બાબતોનો સમાવેશ થાય છે. વસુલાતની કાર્યવાહીનો વ્યાપ વધારવા માટે આકારણી, વસૂલાત, વગેરેને લગતી કોઇપણ કાર્યવાહી શરૂ કર્યા બાદ સરકારી આવકના હિતોના રક્ષણ માટે કરદાતા અથવા કરચોરીથી લાભ લેનાર અન્ય કોઇ પણ વ્યક્તિનાં બેન્ક ખાતા સહિતની અન્ય મિલકત પર કામચલાઉ ટાંચ મૂકવાની જોગવાઇ છે. માલવહન કરનાર કરદાતા રાજ્ય બહારના હોય તેવાં કિસ્સામાં અટકાયત કરેલા માર્ગસ્થ ચીજ-વસ્તુ પર વેરાની વસૂલાતમાં પડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી વેરાને બદલે દંડની વસુલાત કરવા અંગેની જોગવાઇઓનો પણ આ વિધેયકમાં સમાવેશ થયેલો છે.
વાર્ષિક પત્રક ફાઇલ કરવામાંથી મુક્તિ આપવા
GST કાયદાના અસરકારક અમલીકરણમાં વહીવટી સુગમતા માટે કરદાતાઓને વાર્ષિક પત્રક ફાઇલ કરવામાંથી મુક્તિ આપવા અંગેની સત્તા કમિશ્નરને સુપરત કરવામાં આવેલી છે, જેથી આ લાભ નાના કરદાતાઓને મળી શકશે. કોઇપણ ક્લબ, સોસાયટી જેવાં વ્યક્તિઓ અને તેમનાં મેમ્બર્સ વચ્ચે થતી પ્રવૃત્તિઓ/વ્યવહારોને સપ્લાય ગણી વેરો આકારી શકાય તેવું સ્પષ્ટીકરણ 1 જુલાઈ 2017ની અસરથી અમલી બનાવવા બાબતનો પણ આ વિધેયકમાં સમાવેશ કરવામાં આવેલો છે. આમ, સમગ્ર રીતે જોઈએ તો આ વિધેયકમાં દર્શાવેલા સુધારાઓથી Ease of Doing Business માં વધારો થશે. નાણાપ્રધાન આ સુધારા વિધેયકને વિના વિરોધે પસાર કરવા બદલ ગૃહના તમામ સભ્યોનો રાજ્ય સરકાર વતી આભાર પણ માન્યો હતો.
આ પણ વાંચો: