- આયુર્વેદિક ચિકિત્સાનો વ્યાપ વધશે
- ITRA અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા
- ITRAએ રાષ્ટ્રીય કક્ષાની દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ બનશે
ગાંધીનગર: વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ અનેક પ્રકારના આરોગ્યલક્ષી પડકારો આવી રહ્યાં છે ત્યારે આજની એકવીસમી સદીમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે અને લોકો આયુર્વેદને રોજિંદા જીવનશૈલી તરીકે અપનાવી રહ્યાં છે તેને ધ્યાને લઈ રાજ્યમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પધ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે MOU કરાયા હતા.
આ પણ વાંચો : જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટિએ કરી કોરોના દર્દીની મદદ, વિના મૂલ્યે આયુષ 64 દવાનું વિતરણ
આર્યુવેદ લોકભોગ્ય બને તેનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ કે, આયુર્વેદ વધુને વધુ લોકભોગ્ય બને તેનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધે એ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકાસવંતા ગુજરાતને રાષ્ટ્રીય સ્તરનું મહત્વ (INI) ધરાવતી સંસ્થાની ભેટ આપવામાં આવી છે. જે માટે રાજ્યના જામનગર ખાતે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA- Institute of Teaching and Research in Ayurveda)ને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) એ દેશનું સર્વપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વતા ધરાવતું સંસ્થાન છે. ગુજરાત હવે આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવી દિશાનિર્માણ કરશે. જેનો સીધો લાભ રાજ્યની-દેશની જનતાને મળશે.
જામનગર બનશે આર્યુવેદનું ધામ
આ MOU થવાથી જામનગર સ્થિત આયુર્વેદ પરિસરમાં કાર્યરત ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, IIAPS જેવી શૈક્ષણિક સંસ્થાઓ હવેથી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ના એક છત્ર હેઠળ આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત થશે અને આ સંસ્થા દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ બનશે. ગુજરાતની ધરતી પર આયુર્વેદ ચિકિત્સા, અનુસંધાન અને શિક્ષણ જેવી બાબતોમાં વિશ્વસ્તરે નવા પરિમાણો આકાર પામશે. હવે આયુર્વેદ વિકાસના નવા આયામો ખૂલશે અને લોકોને તેનો લાભ મળશે. શિક્ષણ, અનુસંધાનની સાથે ચિકિત્સા બાબતોમાં ઉપલબ્ધીના નવા દ્વારો પણ ખૂલશે.