- રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે બેઠકો પૂર્ણ કરી
- હેક્ટર દીઠ સહાયમાં વધારો કરવામાં આવશે
- મહેસૂલપ્રધાન, કૃષિપ્રધાન અને નાણા પ્રધાન વચ્ચે યોજાઈ બેઠક
- બેઠકનો રિપોર્ટ સીએમ ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો
ગાંધીનગર: રાજ્યના 3 જિલ્લાઓ કે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી ઊભા થયેલા પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં પણ ધોવાણ થયું છે. અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં થયેલા નુકસાનને લઇને રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લા માટે કેબિનેટ બેઠકમાં સહાયમાં વધારો કરવામાં આવ્યો હતો. હજુ જમીન સર્વે બાકી હોવાની વિગતો પણ રાજ્યના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદની પત્રકાર પરિષદમાં જણાવી હતી. ગુરુવારે મહેસૂલ પ્રધાન, કૃષિ પ્રધાન અને નાણા પ્રધાનની સર્વેની કામગીરી અને સર્વે બાદ સહાય ચુકવણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકનો રિપોર્ટ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.
સહાયમાં વધારો કરવામાં આવશે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં જે રીતે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું છે તથા જમીન ધોવાણ થયું છે તે મામલે રાજ્ય સરકાર ખેડૂતોને વીઘાદીઠ 20 હજારની સહાય ચૂકવણી કરશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે. અગાઉ પાક નુકસાની માટે 6800 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે ચૂકવાય છે. તો હવે રાજ્યમાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 3 જિલ્લામાં સહાયમાં વધારો કરાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
વિધાનસભા સત્ર બાદ થશે નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા નિર્ણયની જાહેરાત સત્તાવાર રીતે વિધાનસભા સત્ર બાદ અથવા તો વિધાનસભા ગૃહની અંદર થઈ શકે તેવી શક્યતાઓ છે. આમ ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યના 3 જિલ્લા અને જ્યાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન પામ્યુ છે તેવા જિલ્લાઓની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.