- ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત લેવાયો નિર્ણય
- ધોરણ 10ના રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત
- કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કર્યો નિર્ણય
ગાંધીનગર: ગુજરાતના ઇતિહાસમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પ્રથમ વખત ઘટના બની છે. ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેને ધ્યાનમાં લઈને આજે ગુરૂવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના 13 લાખથી વધુ વિધાર્થીઓને લાભ મળશે.
માસ પ્રમોશન અંગે કોર કમિટીમાં લેવાયો નિર્ણય
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીના સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 SSCના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:મેડિકલ ક્ષેત્રની વ્યાજબી માંગણી સરકાર સ્વિકારશે અને હકારાત્મક નિર્ણય લેવાશે: મુખ્યપ્રધાન રૂપાણી
વિધાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય
મુખ્યપ્રધાન રૂપાણીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. આથી, વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણૅય કર્યો છે.
10,977 શાળામાં લાગુ પડશે માસ પ્રમોશન
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ધોરણ 10ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
એપ્રિલ માસમાં પણ લેવાયો હતો મોકૂફનો નિર્ણય
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ જે 10મી મે થી 25મી મે સુધી યોજાવાની હતી. તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત 15મી એપ્રિલે કરેલો હતો. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15મી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે 15મી મેએ કોરોના સંક્રમણનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, ધોરણ 1થી 9 અને ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે.
આ પણ વાંચો:સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને મળશે કોરોનાની ફ્રી સારવાર
રિપિટર વિધાર્થીઓ માટે અલગથી વિચારણા
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ વિદ્યાર્થી અંગે હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ 10 (SSC)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે. આ ઉપરાંત, કોર કમિટિમાં મુખ્યપ્રધાન રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, ધોરણ 10 (SSC)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ 10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે. પરંતુ, તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.