ગુજરાતમાં 24 કલાકમાં 1565 નવા કેસ, અમદાવાદ અને સુરતમાં કોરોના વિસ્ફોટ - corona news
રાજ્યમાં કોરોનાના કેસ ફરી એક વખત 1500ની પાર થતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. અમદાવાદ અને સુરતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા આંશિક લોકડાઉન જેવી સ્થિતિ બની ગઇ છે. રાજ્યમાં કોરોના રસીકરણની પણ કામગીરી ચાલી રહી છે. આજે કુલ 2,02,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાના 1565 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 969 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગુજરાત
By
Published : Mar 21, 2021, 9:46 PM IST
કોરોનાના 1565 પોઝિટિવ કેસ, 969 દર્દીઓ સ્વસ્થ
6 દર્દીઓના સારવાર દરમિયાન મોત
સુરત કોર્પોરેશનમાં 381, ગ્રામ્યમાં 103 પોઝિટિવ કેસ
અમદાવાદ:ગુજરાત અને દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા જનતા કર્ફ્યૂ , લોકડાઉન અને કર્ફ્યૂ સુધીના નિર્ણયો લેવાયા હતા. ત્યારે હવે સ્થાનિક ચૂંટણી બાદ ફરી કોરોનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1565 નવા દર્દી જ્યારે 969 દર્દીઓ સાજા થયાં છે અને 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના ફરી એક વખત સૌથી વધુ કેસ સામે આવ્યા છે. સુરત શહેર અને ગ્રામ્યમાં મળીને રાજ્યમાં સૌથી વધુ 484 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. સુરત કોર્પોરેશનમાં 381 જ્યારે ગ્રામ્યમાં 103 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 74 હજાર 249 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં દર્દીના સ્વસ્થ થવાનો દર 96.08 ટકા થઇ ગયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જોઇએ તો 6737 એક્ટીવ કેસ છે જેમાંથી 69 દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6,668 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. 2 લાખ 74 હજાર 249 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 4443 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં કોરોના વાઇરસના ક્યાં અને કેટલા કેસો નોંધાયા
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 406 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 401 જ્યારે ગ્રામ્યમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરામાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મળીને કુલ કોરોનાના 151 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ 100ની પાર પહોચી ગયા છે. રાજકોટ કોર્પોરેશનમાં કોરોનાના 121 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મહેસાણામાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે.