ગાંધીનગર: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે શનિવારે સમગ્ર રાજ્યમાં કોરોનાના નવા 1,432 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,470 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 84.12 ટકાએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે સચિવાલયમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે જ CM કાર્યાલયમાં 4 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, પરંતુ આમ છતાં રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં શનિવારે રાજ્યમાં કુલ 61,632 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,39,782 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,08,857 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,08,437 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન, જ્યારે 420 વ્યક્તિને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ કુલ 16,054 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 97 જેટલા દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે 1,5957 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે જ ગત 24 કલાકમાં 16 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેમાં સૌથી વધુ સુરત ખાતે 4 જેટલા મૃત્યુ નોંધાયા છે.
ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સુરત શહેરમાં કોરોનાના 174 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ બીજા નંબરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોનાના 152 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 99 અને 97 કેસ નોંધાયા છે.