ભૂમાફિયા પર સરકારનો ગાળિયો, લેન્ડ ગ્રેબિંગ એક્ટને કેબિનેટમાં મંજૂરી - ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બુધવારે રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં કેબિનેટ બેઠકમાં લેન્ડ ગ્રેબીગ એક્ટને મંજૂરી આપવામાં આવી છે.
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં સરકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકો ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઈથી પર આવવાનો એક્ટ પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઈ રાતોરાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદલે ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનનો બળજબરીથી ગુનાહિત ધાક-ધમકીથી કે, છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરીને પ્રત્યક્ષ કબ્જો કે, માલિકી હક ન હોય છતાં ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટીતંત્ર સાથે મળી આવી જમીન પચાવી પાડી, અન્યના નામે તબદીલ કરાવી વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેવી ઘટનામાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો સાબિત થશે.