ગાંધીનગર: ભાજપ દ્વારા ગુજરાત રાજ્યના બોર્ડ અને નિગમના વધુ ચેરમેન (Chairman of Gujarat State Board and Corporation)ના રાજીનામા લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન (Chairman of Gujarat State Women's Commission) પદ લીલાબેન આંકોલિયાનો પણ તેમાં સમાવેશ થાય છે. આજે લીલાબેન આંકોલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પક્ષનો આદેશ શિરોમાન્ય છે. ભવિષ્યમાં પક્ષ જે જવાબદારી સોંપે તેને સ્વીકારવા તૈયાર છીએ.
લીલાબેન અંકોલિયાએ પત્રકારો સાથે કરી વાતચીત
ગુજરાત મહિલા આયોગના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ લીલાબેન આંકોલિયાએ પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓએ 4 ટર્મ પૂર્ણ કરી છે અને 5મી ટર્મ શરૂ થઈ હતી ત્યારે જ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષ દ્વારા રાજીનામાની માંગ કરવામાં આવી છે અને મેં રાજીનામું આપી દીધું છે. આ સમયગાળા દરમિયાન અનેક મહિલા પ્રોજેક્ટ (Women's Project by Gujarat Government) પર કાર્ય કર્યું છે, જ્યારે અનેક નવા પ્રોજેક્ટો તૈયાર કરીને રાજ્ય સરકારને સુપરત પણ કર્યા છે, જેમાં રાજ્ય સરકારે અનેક પ્રોજેક્ટ કાર્યરત કર્યા છે.
સરકાર અને પક્ષ જે નક્કી કરે તે કરીશું
ભાજપ પક્ષ દ્વારા 12થી વધુ બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, ત્યારે લીલાબેન આંકોલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર અને પક્ષ જે નક્કી કરશે તે કરવાનું રહેશે. હું હંમેશા પક્ષ અને સરકાર સાથે કામ કરીશ અને સરકારે જે નક્કી કર્યું હોય તે તમામ કાર્યકર્તાઓ (BJP Party Workers Gujarat)એ કરવાનું હોય જ છે આમાં કોઈ પ્રકારનો વિરોધ ના હોઈ શકે.