- ધોરણ 10ના વિદ્યાર્થીઓનું બે ભાગમાં થશે મૂલ્યાંકન
- ધોરણ 9ની સામાયિક કસોટીમાંથી ગુણ આપવામાં આવશે
- શાળાકીય ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાના 30 ગુણ
- ધોરણ 9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ અપાશે
- ધોરણ 10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 ગુણ અપાશે
- શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ આપવામાં આવશે
ગાંધીનગર : વૈશ્વિક કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ એટલે કે પરિણામ મળશે પરંતુ તે પરિણામ કઈ રીતે તૈયાર કરવામાં આવશે, તે અંગે ETV Bharat દ્વારા 22 મેના રોજ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે અંગે આજે ગુરૂવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે ધોરણ 10ના પરિણામો તૈયાર કરવાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં ધોરણ 9 અને ધોરણ 10ની શાળાકીય પરીક્ષાના મૂલ્યાંકન મુજબ ધોરણ 10 બોર્ડનું પરિણામ તૈયાર કરવામાં આવશે.
રાજ્યમાં ધોરણ 10ની શાળાઓ તૈયાર કરશે પરિણામ
રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરી છે ત્યારે વિદ્યાર્થીઓને માર્કશીટ અને માર્કશીટ આપવાનું પણ શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી હવે જે તે શાળાના આચાર્યોને આપવામાં આવી છે. જેમાં ધોરણ 10ના પરિણામ તૈયાર કરવાની અને તેના રેકોર્ડની વિશ્વસનીયતા અને જાળવણી અંગેની જવાબદારી પણ શાળાના આચાર્યની રહેશે. જ્યારે શાળા દ્વારા પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધેલા આધારોનો રેકોર્ડ 5 વર્ષ સુધી સાચવવાનો રહેશે. આમ, રાજ્યના શિક્ષણ બોર્ડે તમામ પ્રકારની જવાબદારી જે તે શાળાના આચાર્ય ને સોંપી છે. જ્યારે જે તે શાળાએ તૈયાર કરેલા વિદ્યાર્થીઓના પરિણામ જિલ્લા શિક્ષણ અધિકારી ને સોંપવાનો રહેશે.