ગાંધીનગરઃ અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી કલોલ ઠાકોર સમાજે આરોગ્ય વિભાગ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ઠાકોર સમાજે આક્ષેપ કર્યો કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીની તબિયત ખરાબ હોવા છતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જેને ઘરે લઇ ગયા બાદ ફરીથી હોસ્પિટલમાં અડ્મિટ કરવા માટે ભટકવું પડયું હતું. આ તમામ વચ્ચે કર્મચારીનું મોત થયું છે.
આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, કલોલ ઠાકોર સમાજના આગેવાનોએ આદેવનપત્ર આપ્યું આ અંગે ઠાકોર સમાજના આગેવાન સુરભા ઠાકોરે કહ્યું કે, સરકાર કોરોના વોરિયર્સને બિરદાવે છે, ત્યારે હું આરોગ્ય પ્રધાનને કહું છું કે, પોતાના પરિવારને કોરોના વોરિયર્સ બનાવી કામ ઉપર મોકલે. જો તેમનું મોત થશે, તો હું તેમને 25ની જગ્યાએ 30 લાખ રૂપિયા વળતર આપીશ.
આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, કલોલ ઠાકોર સમાજના આગેવાનોએ આદેવનપત્ર આપ્યું રાજ્યમાં કોરોના વાઇરસના કહેરે હાહાકાર મચાવી દીધો છે. તબીબ અને પોલીસ કર્મચારીઓના કોરોના વાઇરસના કારણે મોત થયાના આંકડા સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મુકેશભાઈ સોમાભાઈનું મોત થયું છે. જેથી તેમના પરિવારજનો અને ઠાકોર સેનાએ આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
સરકાર દ્વારા મૃતકના પરિવારને 25 લાખ રૂપિયાની માતબર રકમ ચૂકવી આપવામાં આવી છે, પરંતુ માત્રને માત્ર આ મોત પાછળ આરોગ્ય તંત્ર જવાબદાર છે અને તેની સામે પગલાં લેવામાં આવે તેવી સમાજના આગેવાનો દ્વારા માગ કરવામાં આવી છે.
કલોલ તાલુકા ઠાકોર સમાજના આગેવાન સુરભા ઠાકોરે કહ્યું કે, સરકાર કોરોના વોરિયર્સનું સન્માન કરી રહી છે. અમદાવાદમાં ફરજ બજાવતા ટ્રાફિક કર્મચારી અને ઠાકોર સમાજના યુવાનોનું ચાલુ ફરજ દરમિયાન મોત થયું છે. આ મોત આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે થયું છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા પછી 5 જ દિવસમાં તેમની તબિયત ખરાબ હોવા છતાં રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ ઘરે લાવ્યા બાદ ફરીથી તેમની તબિયત લથડતાં હોસ્પિટલ શોધવા માટે દરદર ભટકવું પડયું હતું. આ સમયગાળા વચ્ચે પોલીસ કર્મચારીનું મોત થયું હતું. જેથી આ મોત માટે રાજ્યનો આરોગ્ય વિભાગ અને આરોગ્ય પ્રધાન જવાબદાર છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, અમે માગ કરી હતી કે, સરકાર ઘરનો મોભ તૂટી ગયો હોવાના કારણે તેમના પરિવારને નોકરી આપવામાં આવે અને બેદરકારી બદલ માફી માગવામાં આવે. જો સરકાર ઠાકોર સમાજની માગ ઉપર વિચારણા નહીં કરે, તો અમે આગામી સમયમાં આંદોલન કરવા માટે પણ અચકાશું નહીં.