ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ અપાશે : શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

નવી નિમણૂક પામનારા કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક-કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉદ્દભવશે નહીં. આ અંગે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

By

Published : Jan 5, 2021, 6:45 PM IST

Updated : Jan 5, 2021, 7:31 PM IST

  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • શિક્ષકો માટે કરવામાં આવ્યો નિર્ણય
  • 31 માર્ચ, 2016 સુધી નિમણૂક પામેલા શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવામાં આવ્યું

ગાંધીનગર : રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનારા કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક-કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન રહેશે નહી.

શિક્ષકોની રજૂઆત બાદ સરકારે કર્યો નિર્ણય

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુ એક શિક્ષકોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

કામગીરી, લાયકાત, પગાર સમાન

આ અંગે વધુ વિગતો આપતા ચુડાસમાએ જણાવ્યું હતુ કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે.

શિક્ષકોને અસલામતીનો ભય, અસર સીધી શિક્ષણ પર

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોય છે. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે.

નવી નિમણૂકને બદલે હવે ફાજલ શિક્ષકની નિમણૂક થશે

આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલા અનુભવી શિક્ષકને કામ આપી શકાશે. શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો પણ મળશે. હાલ ફરજ બજાવતા શિક્ષકો માટે જૂના શિક્ષકોની ભરતી અંગેની જોગવાઇ હોવાથી જે શિક્ષકો શાળા બદલવા માંગતા હોય તેમને આ જોગવાઇનો લાભ લઈ પોતાની ઇચ્છિત શાળામાં જઈ શકશે. આથી, બદલીના વિકલ્પ તરીકે દૂરના સ્થળથી નજીક/ઇચ્છિત જગ્યાએ નિમણૂક મેળવવા કાયમી રક્ષણનો દૂરઉપયોગ કરવામાં આવશે નહીં. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 70,000 જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.

સરકારે કેવા કેવા ભૂતકાળમાં નિર્ણય કર્યા

ઉલ્લેખનીય છે કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ગો બંધ થવાને કારણે કે શાળા બંધ થવાના કારણે કામ કરતા કર્મચારીઓને ફાજલ જાહેર કરી, નોકરીનુ રક્ષણ આપી અન્ય શાળામાં ખાલી જગ્યા પર સમાવવામાં આવે છે. જે અંગે રાજ્ય સરકારે સૌપ્રથમવાર 21 એપ્રિલ, 1994ના ઠરાવથી ફાજલ અંગેની નિતી જાહેર કરવામાં આવી હતી અને 15 એપ્રિલ, 1994 કે તે પહેલા નિમાયેલા શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપ્યુ છે. ત્યાર બાદ 30 જૂન, 1998 સુધી નિમણૂક પામેલા કર્મચારીઓ-શિક્ષકો માટે આ રક્ષણ લંબાવાયુ હતું. 31 માર્ચ, 2016 સુધીમાં નિમણૂક પામેલા શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવામાં આવ્યુ છે.

Last Updated : Jan 5, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details