- કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર-દવાઓ સહિતની સુવિધા માટે એકશન પ્લાન બનાવાયો: CM
- ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર થશે હ્યુમન ટ્રાયલ
- રાજ્યમાં વેક્સિન વિતરણ ચાર તબક્કામાં કરવામાં આવશે
અમદાવાદઃ ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર રસીની અસર તપાસવાનું કામ ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સૂચનો અને પરામર્શ કર્યા હતાં. તેની પણ વિગતો મુખ્યપ્રધાને આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર બને તેટલી વહેલી વેક્સિન આવી જાય તેમ જ તે બને એટલી પારદર્શિતા, સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં વિચારાધીન છે.
આ રીતે ચાર તબક્કામાં થશે રસી વિતરણ
આ વેકસીન વિતરણ 4 તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે ડૉકટર્સ, પેરામેડિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, હોસ્પિટલોના સ્ટાફ વગેરેને આવરી લેવાશે. બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે સફાઇકર્મીઓ, રેવન્યુ, પોલીસકર્મીઓ વગેરેને આવરી લેવાશે, તેમ જ ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુની વયના લોકો જેમને કોરોના સંક્રમણની સંભાવના વધુ હોય છે તેમને તથા ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેના પરંતુ કો-ર્મોબિડ એટલે કે અન્ય બીમારીઓથી પીડિત લોકોને આવરી લેવાશે. આ પ્રારંભિક ચર્ચા-વિચારણાઓ છે પરંતુ ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેક્સિન અંગેની વિતરણ વ્યવસ્થા થશે.