- 14 દિવસ જૂનો પરિપત્ર કેબિનેટ બેઠકમાં રદ્દ કરાયો
- શિક્ષકોના 8 કલાકના કામકાજનો પરિપત્ર રદ્દ થયો
- શિક્ષણપ્રધાને પરિપત્ર રદ્દ કરવાની કરી જાહેરાત
ગાંધીનગર: રાજ્યમાં ભાજપ સરકાર પોતાના જ નિયમો અને પોતાના જ પરિપત્રોને અમુક દિવસો બાદ રદ્દ અથવા તો ફેરબદલ કરવાનો નિયમ જાળવી રાખ્યો છે. અગાઉ પણ રાજ્ય સરકારે કરેલા અનેક પરિપત્રો અને નિર્ણયોમાં રાજ્ય સરકારે અમુક દિવસો બાદ તે નિયમ અને પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરી છે. તેવી જ રીતે ફરીથી આજે બુધવારે ઘટના સામે આવી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 26 ઓગસ્ટના રોજ શિક્ષકોના કામકાજ કરવા માટેનો જાહેર થયેલો પરિપત્ર કેબિનેટ બેઠકમાં રદ્દ કરાયો છે.
શિક્ષકોએ 8 કલાક કામ કરવાનો પરિપત્ર કેબિનેટમાં ચર્ચા બાદ રદ્દ કરાયો ભાજપની ભગિની સંસ્થા દ્વારા જ કરાયો હતો વિરોધ
પ્રાથમિક શિક્ષક સંઘની જો વાત કરવામાં આવે તો તે ભાજપની જ ભગિની સંસ્થા દ્વારા રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણના પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે પણ તાત્કાલિક પરિપત્રને કેબિનેટમાં ચર્ચા કરીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન એટલે કે પરિપત્રને કેબિનેટ બેઠકમાં રદ્દ કરવામાં આવ્યો છે અને હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકોને પહેલાની જેમ જ કામ કરવાનું રહેશે.
સરકારે અનેક વખત પોતાના નિર્ણયો ફેરવ્યા છે
રૂપાણી સરકારની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પણ રાજ્ય સરકારે અનેક પરિપત્રો રદ્દ કર્યા છે. આ સાથે જ અનેક નિર્ણયો પર વિચાર કરીને ફેરબદલી પણ કર્યા છે. આમ, રાજ્ય સરકારે આજે વધુ એક પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લીધો હતો. અગાઉ પણ શિક્ષકોના મુદ્દે જ ગ્રેડ-પે ને લગતો પરિપત્ર પણ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ, રાજ્ય સરકાર દ્વારા અમુક સમયના અંતરે પોતાના જ પરિપત્ર રદ કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે.