- 'મારું ગામ, કોરોના મુક્ત ગામ' બાદ 'મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ'ની જાહેરાત
- રવિવારથી તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કાર્યક્રમ યોજાશે
- તમામ ચૂંટાયેલા કોર્પોરેટર્સ અનેે પ્રધાનોને આપવામાં આવશે જવાબદારી
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ અતિશય વધી ગયું હતું, પરંતુ મે મહિનાની શરૂઆતમાં રાજ્યમાં કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યામાં સતત વધારો થતા ગુજરાતનો રિકવરી રેટ 81 ટકાની આસપાસ થયો છે. ત્યારે રાજ્ય સરકારે શરૂ કરેલા 'મારું ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન બાદ હવે શહેરોને કોરોના મુક્ત કરવા માટે 'મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અભિયાનમાં રાજ્યના કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
'મારું ગામ, કોરોના મુક્ત ગામ' બાદ 'મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ'ની જાહેરાત, રવિવારથી થશે શરૂ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં યોજાશે અભિયાન
આ બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 'મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ' અભિયાન રવિવારથી શરૂ કરવામાં આવશે. જેમાં તમામ પ્રધાનોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ અભિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર અને ગાંધીનગર જેવા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય તમામ નગરપાલિકાઓમાં પણ યોજવામાં આવશે. જે સતત ચાલુ જ રહેશે.
ચૂંટણી બૂથની જેમ કરાશે આયોજન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન જે રીતે બૂથ લેવલે આયોજન કરવામાં આવે છે. તે જ પ્રકારનું આયોજન આ અભિયાન દરમિયાન પણ કરવામાં આવશે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા કોર્પોરેટરો અને સભ્યોને પણ ખાસ પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે. જેથી તમામ ચૂંટાયેલા સભ્યો પોતપોતાના વર્ગમાં સરખી જવાબદારી નિભાવી શકે અને વહેલીમાં વહેલી તકે પોતાના વોર્ડને કોરોના મુક્ત વોર્ડ બનાવી શકે.
એક વોર્ડની હરિફાઈ બીજા વોર્ડ સાથે
પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કે, આ અભિયાનમાં એક વોર્ડની બીજા વોર્ડ સાથે હરિફાઈ પણ યોજવામાં આવશે. કયા વોર્ડમાં શ્રેષ્ઠ કાર્ય થયું છે, તે બાબતે પણ રાજ્ય સરકારને સતત માહિતી પ્રાપ્ત થતી રહેશે. જ્યારે આ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓને પણ વોર્ડમાં જવાબદારી સોંપવામાં આવશે.
ક્યા પ્રધાનોને કઈ જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી
- અમદાવાદ: કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજા
- જામનગર: ધર્મેન્દ્રસિંહ જાડેજા અને આર.સી. ફળદુ
- ગાંધીનગર: દિલીપકુમાર ઠાકોર અને કુંવરજી બાવળીયા
- વડોદરા: યોગેશ પટેલ
- સુરત: ગણપત વસાવા અને કુમાર કનાણી
- રાજકોટ: જયેશ રાદડિયા અને આર.સી. ફળદુ
- જૂનાગઢ: જવાહર ચાવડા