- રાજ્યમાં કોરોનાથી કુલ 4458 દર્દીઓના મોત થયાં
- અમદાવાદ સિવિલમાં કોરોનાથી કુલ 970 દર્દીઓના થયા મોત
- મોતના આંકડા સરકાર છુપાવી રહી હોવાનો ઈમરાન ખેડાવાલાએ કર્યો આક્ષેપ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલમાં કોરોનાથી કેટલા દર્દીઓના મોત થયા છે જેને લઇને વિધાનસભામાં કોંગ્રેસે પ્રશ્ન પૂછ્યો હતો. જેમનો જવાબ આપતા સરકારે કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 970 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 4458 દર્દીઓના મોત થયા છે.
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં કુલ 21,920 દર્દીઓના મોત થયા
વિધાનસભા ગૃહમાં જમાલપુર ખડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મોત થયેલા દર્દીઓનો આંકડો છુપાવવા માટે સરકાર અમદાવાદ સિવિલ પર ઠીકરું ફોડી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં જેટલા દર્દીઓના મોત થયા છે. તેમાંથી કેટલાય મોતના આંકડા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ચોપડે દર્શાવવામાં આવ્યા છે. જેમાં પણ સાચો આંકડો સરકાર દર્શાવતી નહીં હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સરકારે વિધાનસભામાં કહું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 970 દર્દીઓના મોત થયા છે. જ્યારે અન્ય બીમારીઓથી 20,950 દર્દીઓના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં કુલ 21,920 દર્દીઓના મોત થયા છે.