અમદાવાદઃ કેન્દ્રીય બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર ( GIFT International Arbitration Center ) શરુ કરવાની દરખાસ્ત નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરી છે. આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય વિવાદો ઉકેલવાના પ્રયાસરુપે આ સેન્ટર કામ કરશે. કેન્દ્રીય બજેટમાં થયેલી આ જાહેરાતની પશ્ચાદભૂમિકા તરફ ખાસ વિગતો જોઇએ. વર્ષોથી સતત વિકસતી રહેલી આ સિટી ગુજરાતની પ્રતિભાનું પણ પ્રતીક છે.
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી વિશેષ ધ્યાન
ગિફ્ટ સિટી પ્રોજેક્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi dream project ) એવા ગિફ્ટ સિટીની ( Gujarat International Finance Tec-City ) ડીસેમ્બરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઇને કામકાજની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે ગિફ્ટ સિટીમાં આવનારા પ્રોજેક્ટ અને વિકાસના કામ બાબતે ઉચ્ચસ્તરીય બેઠકમાં જ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરેલી બેઠક મુદ્દે પણ માહિતી મેળવી હતી.
ગિફ્ટ સિટીની નેમ શું છે?
ગુજરાતની ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય હબનું (International Financial Hub) ગેટ વે ઓફ ઇન્ડિયા બને તેવી નેમ છે. તેથી ભવિષ્યમાં અનેક કોર્પોરેટ કંપનીઓ અને મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં પોતાના હેડક્વાટર બનાવે તે પ્રકારનું આયોજન પહેલેથી કરાયેલું છે. હાલમાં 200થી વધુ કંપની અહીં કાર્યરત છે અને 12,000 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય ગેટ વે ઓફ ઈન્ડિયા બનાવવાની દિશામાં વધુ એક કદમ તરીકે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની ( GIFT International Arbitration Center )આજના બજેટની જાહેરાતને સાંકળીને જોવામાં આવી રહી છે.
થોડાસમય પહેલાં જ નાણાંપ્રધાને લીધી હતી બેઠક
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે નવેમ્બર 2021માં ગિફ્ટ સિટીની મુલાકાત લઇને નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયોના 7 સચિવોની ટીમ સાથે ચર્ચા કરી હતી. ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ પર તે સમયે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય કોર્પોરેટ માટે વૈશ્વિક નાણાકીય સેવાઓના પ્રવેશદ્વાર તરીકે GIFT-IFSCની ભૂમિકા, વૈશ્વિક નાણાકીય વ્યવસાયને ભારત તરફ આકર્ષિત કરવા અને ફિનટેક વૈશ્વિક હબ તરીકે વૃદ્ધિ જેવા ત્રણ મુદ્દાની ચર્ચા થઇ હતી. જે દરમિયાન કેન્દ્રીય નાણાંપ્રધાને ગિફ્ટ સિટીની મુખ્ય માળખાકીય સુવિધાઓને નજરે નિહાળી હતી. સાથે IFSCમાં હાજર વિવિધ હિતધારકો અને એકમો સાથે વાર્તાલાપ કર્યો હતો અને ગિફ્ટ સિટીના ઉપક્રમે દેશને પ્રીમિયર ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર તરીકે વિકસાવવા અને ભારતમાં તેમજ ભારત બહાર વૈશ્વિક નાણાકીય પ્રવાહ માટે પ્રબળ ગેટવે તરીકે પ્રમુખપણે આગળ કરવાની નેમ દર્શાવી દેવાઈ હતી.
પીએમ મોદીએ ફિનટેક ક્રાંતિ પર ભાર મૂક્યો છે
પીએમ મોદીએ ડીસેમ્બર 2021માં ઈન્ફિનિટી ફોરમનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે ફિનટેક પહેલને ફિનટેક ક્રાંતિમાં બદલવાનો સમય આવી ગયો છે. આપને જણાવીએ ઈન્ફિનિટી ફોરમ ફિન ટેક પર વિચારશીલ નેતૃત્વ કરતું ફોરમ છે. જેનું આયોજન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટી (IFSCA) દ્વારા ભારત સરકારના નેજામાં કરવામાં આવ્યું છે. જેમાં ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી) (InFinity Forum GIFT City) (Gujarat International Finance Tech-City) અને બ્લૂમબર્ગ સહયોગ કરી રહ્યાં છે. ફોરમના પહેલા આયોજનમાં ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુકે ભાગીદાર દેશ બન્યાં હતાં.. ઈન્ફિનિટી ફોરમ ના માધ્યમથી નીતિ, વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વિશ્વની પ્રખ્યાત પ્રતિભાઓ એકમંચે આવીને ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે કે કઈ રીતે ટેક્નોલોજી અને નવીનતાનો ફિન ટેક ઉદ્યોગમાં ઉપયોગ કરી શકાય છે.