ધણપ ચેકપોસ્ટ પાસે મૃત પશુઓની દુર્ગંધથી ભૂસ્તર વિભાગના કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ગયા - ગાંધીનગર કોરોના
ભૂસ્તર વિભાગ દ્વારા રેતી ચોરી રોકવા અને ખનીજ માફિયાઓ ઝડપી લેવા ચિલોડા હિંમતનગર હાઈવે પાસે આવેલા ધણપ શિહોલી ગામની સરહદ ઉપર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. પરંતુ તેનાથી સો મીટર દૂર ધણપની સીમમાં મૃત પશુઓ નાખવામાં આવી રહ્યા છે. જેને લઇને કર્મચારીઓ દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ગયા છે.
![ધણપ ચેકપોસ્ટ પાસે મૃત પશુઓની દુર્ગંધથી ભૂસ્તર વિભાગના કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ગયા મૃત પશુઓની દુર્ગંધથી ભૂસ્તર વિભાગના કર્મચારીઓએ ત્રાહિમામ પોકારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7485321-thumbnail-3x2-gandhinagar.jpg)
ગાંધીનગરઃ જિલ્લામાં કરવામાં આવતી ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા માટે છેલ્લા ત્રણ વર્ષથી ખનીજ વિભાગ દ્વારા ધણપ ગામની સીમમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જ્યાં કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવે છે. આ કર્મચારીઓને ફરજ દરમિયાન એક અજીબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ધણપની સીમમાં નાખવામાં આવતા મૃત પશુઓની દુર્ગંધથી કામગીરીમાં ખલેલ પડી રહી છે. બીજી તરફ એવો ડર પણ સતાવી રહ્યો છે કે, આ સમસ્યાના કારણે બીમારીનો સામનો કરવો ન પડે.જિલ્લાની ભૂસ્તર કચેરીના અધિકારીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ધણપ ગ્રામ પંચાયત, જિલ્લા આરોગ્ય અધિકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. બીજી તરફ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, ત્યારે પણ મૃત પશુઓની અને તેના અવશેષો કૂતરા દુર દુર સુધી ખેંચી લાવતા હોય છે. હાઇવે ઉપર કૂતરા માસના ટુકડા માટે દોડતા હોવાને લઇને અકસ્માત પણ મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે કર્મચારીઓની એવી માંગ છે કે મૃત પશુઓનો નિકાલ અન્ય જગ્યાએ કરવામાં આવે.