ગાંધીનગરઃ શહેરના સેકટર-2 Cમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ગાધીનગર સિવિલમાં દાખલ કરાઈ છે. જીઈબી ખાતે રહેતા 28 વર્ષીય જુનિયર એન્જિનિયર સંક્રમિત થયા હોવાથી તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેકટર-29માં રહેતી અને દહેગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 30 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થઈ છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 12માંથી બે દર્દી સિનિયર સિટિઝન છે, જેમાં સેકટર-2સી ખાતે રહેતા 62 વર્ષીય અને સેકટર-2ડીના 60 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. સે-27માં રહેતા અને પછાતવર્ગ નિગમમાં ફરજ બજાવતા 31 વર્ષીય ક્લાર્ક, સેકટર-12બીના 33 વર્ષીય વેપારી કોરોનામા સપડાયા છે.
સેકટર-13માં રહેતી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કમ્પ્યૂટર આસિસ્ટન્ટ યુવતી અને 42 વર્ષીય વોર્ડ આસિસ્ટન્ટ મહિલા અને 27 વર્ષીય મહિલા તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. સેકટર-24ની 56 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થતાં તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાઈ છે. સેકટર-22માં 22 વર્ષીય વેપારી પોઝિટિવ આવ્યા બાદ તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. મ્યુનિસિપલની સત્તાવાર યાદી મુજબ ગાંધીનગર શહેરમાં અત્યાર સુધીમાં 318 દર્દી નોંધાયા છે, જેમાંથી 269 સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ અપાયો છે અને 102 હાલ સારવાર હેઠળ છે, જ્યારે 10 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.