ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતમાં 2.5 વર્ષની પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થયા બાદ 9 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભાજપના સભ્યો દ્વારા સભાખંડમાં ધાંધલ-ધમાલ કરવામાં આવી હતી. ખુરશીઓ ઉઠાવવામાં આવી હતી અને માઇક તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા આ પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ચૂંટણી 15 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 કલાકે કલેક્ટર કચેરીમાં યોજવામાં આવશે.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી છે, જ્યારે ભાજપ લઘુમતીમાં છે. આમ છતાં 2.5 વર્ષ સુધી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા. 9 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા બીજી ટર્મ માટે યોજવામાં આવી હતી, પરંતુ સત્તા ભૂખ્યા ભાજપના સભ્યો દ્વારા ધાંધલ-ધમાલ કરવામાં આવી હતી અને આખરે ચૂંટણી અધિકારી દ્વારા મતદાન પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ તમામ પ્રક્રિયા તે જ દિવસે પૂર્ણ કરવામાં આવે તે માટે રામધૂન પણ બોલાવવામાં આવી હતી અને ગાંધીનગર કલેક્ટરને રજૂઆત પણ કરાઇ હતી.