- પંચાયત આરોગ્યકર્મીઓની હડતાળ મુદ્દે સરકાર એક્શનમાં
- સરકારની સૂચના બાદ પોલીસ એક્શનમાં આવી
- ગાંધીનગર જિલ્લા આરોગ્યકર્મીઓની વિરુદ્ધ કેસ દાખલ કરાયા
- 2 આગેવાનોની કરાઈ ધરપકડ
ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારી અને ભારત દેશમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ કાર્યક્રમ દરમિયાન જ ગુજરાત રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે વધારાને લઇને છેલ્લા દસ દિવસથી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ કડક શબ્દોમાં ચીમકી આપી હતી કે તમામ કર્મચારીઓ હડતાળ પૂર્ણ કરીને પોતાની ફરજમાં જોડાઈ નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ છતાં પણ કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખતા આજે ગાંધીનગર પોલીસ દ્વારા ગાંધીનગરના પંચાયત આરોગ્ય કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે.
સેકટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
ગ્રેડ પેના વધારાની માગ સાથે છેલ્લા દસ દિવસથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. કામગીરીમાં તેઓ ભાગ લઈ રહ્યા નથી, ત્યારે આરોગ્ય વિભાગે તમામ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને કડકમાં કડક સૂચના આપી હતી. આજે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓના આગેવાનો વિરુદ્ધ એપેડેમીક એક્ટ-1987 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.