પાનસરમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક આધેડની હત્યા - રબારી
કલોલ તાલુકાના પાનસર ગામમાં મોડી રાત્રે બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયાં હતાં. ત્યારે આજે સવારે એક જૂથ દ્વારા બીજા જૂથના એક આધેડની હત્યા કરવામાં આવતા તે સમાજના લોકોએ મૃતદેહને સ્વીકારવાની ના પાડી હતી. જેને લઇને કલોલ હોસ્પિટલ ખાતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. જો કે આ બનાવમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના પાનસર ગામના પરામાં રહેતાં દિનેશ સાકાભાઈ દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી કે, ગત મોડી રાત્રે રવિ જયરામ અને જીગર જયરામ બાઈક લઈને પુરપાટ ઝડપે નીકળ્યાં હતાં. તેને લઈને શૈલેષ અને વિશાલે તેમને રોકીને કહ્યું હતું કે, આટલી સ્પીડમાં બાઇક ન ચલાવો. આ બાબતને લઈને બન્ને ભાઈઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને તેમણે કહ્યું હતું કે, થોડીવાર ઉભો રે તને સમજાવું છું. ત્યારબાદ લાકડીઓ લઈને આવતાં આ બન્ને જણાને ઢોર માર માર્યો હતો.